વિસાવદરમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની
માટલા ફોડી, નારા લગાવી તંત્ર સામે રોષ ઠાલવ્યો
વિસાવદર તા. ૭
વિસાવદર નગરપાલિકા કચેરી ખાતે પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં ગટર નાખવામાં આવી ત્યારથી એટલે કે છેલ્લા ૩ મહિનાથી નિયમિત પાણી આવતું જ નથી.
છેવાડાના વિસ્તારમાં હોવાથી અને ટાંકામાં પાણી ન મળવાથી નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે લોકોને વ્યાજે રૂપિયા લાવીને ઘરે બોર કરાવવો પડ્યો છે, છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. નિયમિતપણે ૮ થી ૯ પ્રકારના વેરા ભરવા છતાં, સામાન્ય કાગળિયા આપવા માટે પણ પહેલાં વેરો ભરી જવાના દાવા કરવામાં આવે છે. વિસાવદર નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી હતી જેના જવાબમાં વિસાવદર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભાવિન કાંટાણીએ જણાવ્યું હતું કે મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી પાણીની સમસ્યાને નગરપાલિકા દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરાવીને પાણીનો પુરવઠો પૂર્વવત કરવા માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. હાલમાં ડેમમાં જળસ્તર ઓછું હોવાને કારણે અને વરસાદનું પ્રમાણ ઘટવાને લીધે સમગ્ર શહેરમાં અલ્ટરનેટ દિવસે માત્ર ૩૦ મિનિટ જ પાણી વિતરણ કરવામાં આવે છે. તેમણે શહેરીજનોને અપીલ કરી હતી કે આ મુશ્કેલ સમયમાં પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરી નગરપાલિકાને સહયોગ આપે, તેમજ દ્વારકા સોસાયટીની ખાસ રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


