સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ૧૧૬માં ATM લગ્ન ધામધૂમથી યોજાયા

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ૧૧૬માં ATM લગ્ન ધામધૂમથી યોજાયા

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૭
સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજિત અંબિકા ચોક સ્થિત, અખંડ રામધૂન મંદિર, સુશીલાબેન શાહ હોલ ખાતે ગામ : માલીડા નિવાસી ચુવાળીયા કોળી સમાજની દીકરી કુ. હિરલ ગોગનભાઈ રાણાવડીયાના શુભ લગ્ન ચિ. રમણીક જેરામભાઈ અધેરા સાથે ખૂબજ ધામધૂમથી યોજાયા હતા. આજના મોંઘવારીના યુગમાં મધ્યમવર્ગ હંમેશા પીસાતો આવ્યો છે ,ઘરના બે છેડા માંડ પૂરા થતા હોય ત્યાં પોતાના લાડકવાયા સંતાનોના લગ્ન કેમ કરવા ? આ તેમના માટે પ્રાણ પ્રશ્ન હોય છે, આ ચિંતા દરેક મા-બાપને સતાવતી હોય છે. આવા પરિવારની વ્હારે આ સંસ્થા છેલ્લા ૪૨ વર્ષથી આ પ્રકારના સેવાયજ્ઞો યોજીને માનવ કલ્યાણનું કાર્ય કરે છે જેમાં અત્યાર સુધીમાં ૨૨૦૦ જેટલી દીકરીઓને કરિયાવર આપીને સાસરે વડાવવામાં આવેલ છે. આજે પણ આ લગ્ન તન, મન અને ધનથી અને એ પણ દાતાઓના સહકારથી કરવામાં આવેલ છે. આજે આ લગ્નમાં સંસ્થા દ્વારા દીકરીને ૭૫ જેટલી વસ્તુઓ જેમાં ૧૧ જોડી કપડાં, ઠામ-વાસણ, કટલેરી અને બીજી ઘરની જરૂરિયાત યુક્ત વસ્તુઓ કરિયાવરમાં આપી, હરખથી દીકરીને આશીર્વાદ આપી સાસરે વડાવેલ હતી. આ શુભ પ્રસંગમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા સાથે વૃંદાવનના મહંત તુલસીદાસજી એ ખાસ આ દીકરીને આશીર્વાદ આપ્યા હતા. સાથે દાતાર સેવક બટુક બાપુ, શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર, ચંપકભાઈ જેઠવા, જયાબેન પરમાર, પુષ્પાબેન પરમાર, રાજેન્દ્રભાઈ ચુડાસમા, પ્રજ્ઞેશભાઈ વાજા, રમાબેન બેસ, સરોજબેન જોષી, હેતવીબેન બેસ, મનોજભાઈ સાવલિયા, રસીલાબેન સોલંકી તેમજ સરોજબેન ઠાકર દ્વારા દિકરીને આશીર્વાદ આપ્યા હતા.