સોમનાથ મંદિર પરીસર અને પ્રભાસપાટણ ગામ વચ્ચે સીધો સંપર્ક તુટયો
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રાતોરાત રસ્તા બંધ કરતા ગ્રામજનોમાં ભારે આક્રોશ : પ્રભાસ હીત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જો રસ્તા નહીં ખુલ્લા થાય તો આંદોલનની ચીમકી આપી
વેરાવળ, તા.૯
સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર તેમજ મહારાણી અહલ્યાબાઈ હોલ્કર નિમિર્ત જુના સોમનાથ મંદિર સાથે પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના જાહેર રસ્તાઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કે જાહેર સૂચના વિના રાતોરાત સિમેન્ટની દીવાલો અને આડશો ઉભી કરી બંધ કરી દેવાતા સમગ્ર પ્રભાસ પાટણ ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પ્રભાસ પાટણ ગામના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતી પ્રભાસ હીત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી મંદિર ટ્રસ્ટ દ્વારા મનસ્વી રીતે બંધ કરાયેલા બંને રસ્તાઓ તાત્કાલિક અસરથી ખુલ્લા કરાવવા માગણી કરવામાં આવી છે. પ્રભાસ હીત રક્ષક સમિતિના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ બાલાભાઈ શામળા સહિતના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રભાસ પાટણ ગામ સદીઓથી વસેલું છે અને ચારથી પાંચ પેઢીથી ગ્રામજનો અહીં વસવાટ કરે છે. જ્યારે ગામ વસ્યું ત્યારે સોમનાથ મંદિર જર્જરિત અવસ્થામાં હતું અને અહલ્યાબાઈ હોલ્કર દ્વારા નિમિર્ત જુનુ મંદિર હાજર હતું. તે સમયથી પ્રભાસ પાટણ ગામની મુખ્ય બજારથી દિગ્વીજય દ્વાર સુધીનો ખુલ્લો રસ્તો ગ્રામજનો તથા યાત્રાળુઓ માટે જીવનરેખા સમાન રહ્યો છે. આ રસ્તાઓ માત્ર અવરજવર માટે નહોતા પરંતુ પ્રભાસ પાટણ ગામ માટે ધોરીનશ સમાન હતા. ચારથી પાંચ પેઢીથી અહીં વસતા ગ્રામજનો માટે આ રસ્તાઓ ધામિર્ક આસ્થા, સામાજિક સંસ્કાર, આર્થિક પ્રવૃત્તિ અને આપત્તિ સમયે જીવ બચાવવાના માર્ગ રહ્યા છે. ભગવાન શ્રી સોમનાથજીના નિયમિત દર્શન, અંતિમ યાત્રા સમયે ધ્વજાજીના દર્શન, તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ તથા આગના બનાવોમાં ફાયર ફાઈટર પહોંચાડવા માટે આ રસ્તાઓ અનિવાર્ય રહ્યા છે પરંતુ કોઈ આગોતરી જાણ, જાહેરનામું કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ટ્રસ્ટ દ્વારા આ રસ્તાઓ બંધ કરાતા પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે જાણે દીવાલ ઊભી કરી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે યાત્રાળુઓનો ગામમાં પ્રવેશ અટકી ગયો છે, જેના કારણે સ્થાનિક વેપાર, હોટલ, રેસ્ટોરન્ટ, વણકામ, દરજીકામ જેવા પરંપરાગત ધંધાઓ પર સીધી અસર પડી છે. પ્રભાસ હીત રક્ષક સમિતિએ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને પાઠવેલા આવેદનપત્રમાં આ પગલાને કાયદા વિરુદ્ધ અને મનસ્વી ગણાવ્યું છે. સમિતિના જણાવ્યા મુજબ સીટી સર્વે રેકોર્ડ અનુસાર ૧૯૨૨ થી ૧૯૨૬ દરમ્યાનથી આ રસ્તાઓ સરકારી જાહેર રસ્તા તરીકે અસ્તિત્વમાં છે અને ૧૦૦ વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં છે. ઈન્ડિયન ઈઝમેન્ટ એક્ટ મુજબ ગ્રામજનોના કાયદેસર ઈઝમેન્ટ રાઈટ હોવા છતાં, તે અધિકારો રાતોરાત છીનવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રભાસ પાટણ વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાની હદમાં આવતું હોવા છતાં, નગરપાલિકાની કોઈ મંજૂરી કે જાહેર પ્રક્રિયા વગર રસ્તા બંધ કરાયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રસ્તાઓ ખુલ્લા ન કરાશે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. આ ઘટના માત્ર રસ્તા બંધ કરવાની નથી, પરંતુ પ્રભાસ પાટણના નાગરિક અધિકારો, ધામિર્ક આસ્થા અને માનવ સુરક્ષાના મૂળભૂત પ્રશ્નને લઈને ઊભી થયેલી ગંભીર ચેતવણી છે. આ મામલે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પ્રભાસ હિત રક્ષક સમિતિ ની રજુઆત મામલે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ સોમનાથ મંદિર ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા નો આ મુદ્દે સંપર્ક કરતાં તેઓ એ આ મામલે ઓન કેમેરા મીડિયા સમક્ષ કાંઈ પણ બોલવા ઇનકાર કર્યો છે.


