સુરતમાં ખાડીપુર બાદ સરકાર એકશન મોડમાં હર્ષ સંઘવીએ ગત મોડીરાત્રે હાઈલેવલ બેઠક યોજી
ડોર ટુ ડોર સર્વે પૂર્ણ : 800થી વધુ પરિવારોને ઘરવખરી નુકશાની પેટે રૂા.6800 તેમજ કેશડોલની ચુકવણી કરાઈ
(બ્યુરો) સુરત તા.10
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે 7 જુલાઈએ સર્જાયેલી ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગત મોડીરાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજીને પૂર રાહત અંગે જાહેરાતો કરી હતી. આ બેઠકમાં સરકારનો મુખ્ય ભાર પ્રભાવિત વિસ્તારોમાં ઝડપી સર્વે અને કેશડોલ ચૂકવણી પર રહ્યો છે. અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે કામગીરી કરીને કુલ 9100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને રૂા.6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને આજે મોડીસાંજ સુધીમાં તેમની સોસાયટીઓ સુધી પહોંચીને રોકડ સહાય આપી દેવા માટે વહીવટી તંત્રની જુદી-જુદી ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે.


