સંસ્કૃત વર્ગના ભૂલકાઓ દ્વારા દ્વારકાધીશ જગત મંદિરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર પુરૂષસુક્તમ પઠન તેમજ મટકી અર્પણ
(પ્રતિનિધી દ્વારા)
દ્વારક તા.૭
યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના ૫૨૫૩માં જન્મોત્સવની ઉજવણી કરાઈ ત્યારે શ્રી દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત વ્યવસ્થાપક સમિતિ દ્વારા આયોજિત સંસ્કૃત વર્ગના નાના નાના ભૂલકાઓ દ્વારા અનોખી રીતે આ ઉત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં બાળકો દ્વારા શ્રી દ્વારકેશ ગ્રુપ,શ્રી રૂક્ષ્મણી ગ્રુપ,શ્રી રાધા કૃષ્ણ ગ્રુપ, શ્રી માધવ ગ્રુપ, શ્રી બંસીધર ગ્રુપ એમ ૫ ગ્રુપમાં મટકી સુશોભન કરવામાં આવ્યું હતું.૪ વર્ષથી ૧૬ વર્ષ સુધીના બાળકો દ્વારા વોટર કલર, રીબીન,આભલા, દોરી,મોર પંખ, ગ્લુ વગેરેની મદદથી મટકીઓ શણગારવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વના દિવસે આ મટકીઓને લઈ બ્રાહ્મણોના પરંપરાગત પોશાક પીતાંબર,પાસાબંડી,વૈષ્ણવી તિલક સાથે સાંજે સંધ્યા આરતી બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે પુરુષસુક્તમ દ્વારા ઠાકોરજીના ચરણમાં અર્પણ કરવામાં આવી હતી.દ્વારકામાં દ્વારકાધીશજીના પૂજન,અભિષેક,અર્ચન તેમજ જન્મ સમયે બ્રાહ્મણો દ્વારા પઠન કરવામાં આવે છે.ભોગ સામગ્રી ભંડાર પાસે આવેલા મંદિર પરિસરમાં ૪ વર્ષથી કરી ૧૬ વર્ષ સુધીના ભૂલકાઓ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થયા વાતાવરણ અલૌકિક બન્યું.ગુગલી જ્ઞાતિ મધ્યસ્થ સભા સદસ્ય તેમજ દ્વારકા તીર્થ પુરોહિત મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ,સંસ્કૃત વર્ગ આચાર્ય સન્નીભાઈ પુરોહિત તેમજ હિતાર્થભાઈ ભટ્ટ,તીર્થ પુરોહિત ધવલભાઈ,સાગરાભાઈ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો. સંસ્કૃત વર્ગ દ્વારા દ્વારકા દેવસ્થાન સમિતિ,પોલીસ પ્રશાસન,પૂજારી પરિવાર તેમજ વ્યવસ્થામાં સહકાર આપનાર તમામનો આભાર માનવામાં આવ્યો હતો.


