ગુજરાતના તમામ 265 તાલુકામાં મેઘમહેર : સાંતલપુરમાં 15 ઈંચ ખાબક્યો

ગુજરાતના તમામ 265 તાલુકામાં મેઘમહેર : સાંતલપુરમાં 15 ઈંચ ખાબક્યો

(બ્યુરો)      રાજકોટ, તા.25
ગુજરાતમાં કેટલાંક દિવસો સુધી મુખ્યત્વે દક્ષિણનાં જિલ્લાઓમાં જ તાંડવ જેવો વરસાદ વરસાવનારા મેઘરાજાએ હવે સમગ્ર રાજ્યમાં પાણી વરસાવ્યું છે. છેલ્લા ચોવિસ કલાકમાં રાજ્યના તમામ ૨૬૫ તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોર વધુ રહ્યું હતું. પાટણના સંતાલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ નોંધાયો છે.જ્યારે રાધનપુરમાં 13.46 ઇંચ વરસાદ પડ્યો છે. ભાભરમાં 11.3 ઇંચ, દિપોદરમાં 10.83 ઇંચ તથા નડીયાદમાં 10.31 ઇંચ પાણી વરસ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ સાથે સિઝનનો કુલ વરસાદ 50 ટકા આસપાસ થઇ ગયો છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં જોર વધુ હતું. છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ સહિતના કેટલાંક ભાગોમાં અતિભારે વરસાદની હાલતને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્ર તથા રેસ્ક્યુ ટીમોને એલર્ટ રહેવાની સુચના જાહેર કરી છે.