ત્રિપુરાના પોલીસ વડાના રહસ્યમય મોતથી સનસનાટી
DGP અનુરાગ ધનખડ ઓફિસમાં મૃત હાલતમાં મળ્યા; આત્મહત્યા સહિત તમામ એંગલથી તપાસ શરૂ
બાગપત તા.20
ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનખડના અચાનક નિધનથી રાજ્યના પોલીસ વિભાગમાં શોકની લાગણી સાથે અનેક સવાલો પણ ઊભા થયા છે. સોમવારે સવારે તેઓ અગરતલામાં આવેલા પોલીસ હેડક્વાર્ટરની ઓફિસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ પૂર્ણ થયા બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. હાલ ઘટનાસ્થળેથી તમામ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
અનુરાગ ધનખડ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી અને 1994 બેચના ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારી હતા. વર્ષ 2025માં તેઓ ત્રિપુરાના DGP તરીકે નિયુક્ત થયા હતા. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી અને 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમના અચાનક અવસાનથી પોલીસ બેડા સહિત વહીવટી તંત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.


