પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર : યુનોમાં ભારતે પાક.ની બોલતી બંધ કરી દીધી
(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૬:
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ તેના વિભાજનકારી એજન્ડાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુનોમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વતાનેનીએ તેને સણસણતો જવાબ આપીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી હતી. પાકિસ્તાનના પ્રતિનિધિએ જમ્મુ-કાશ્મીરને વિવાદાસ્પદ ગણાવ્યું અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના ર્નિણયની ટીકા કરી હતી. તેના જવાબમાં, રાજદૂત પર્વતાનેનીએ ભારપૂર્વક કહ્યું કે જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે પાકિસ્તાનને તેની આતંકવાદી ગતિવિધિઓ માટે આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર
ગણાવ્યું, જે સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકેની તેની જવાબદારીઓનું ઉલ્લંઘન છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના પોતાના મક્કમ ર્નિણયનો મજબૂત બચાવ કર્યો હતો અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બેકફૂટ પર મૂકી દીધું હતુ.


