પોરબંદર SOGની કાર્યવાહી : યોગી ડેરીમાંથી ૩૦ કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો
કુતિયાણા બાદ પોરબંદર શહેરમાં પણ ભેળસેળનો પર્દાફાશ ફૂડ સેફ્ટી વિભાગે સેમ્પલ લઈ જથ્થો સીલ કર્યો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ), તા.ર૩
પોરબંદર જિલ્લામાં ભેળસેળ યુક્ત દૂધ, ઘી સહિતના ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને સંગ્રહ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કુતિયાણા તાલુકાના ટીંબીનેશ ગામે ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપાયા બાદ પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી સંગ્રહ કરવાની પ્રવૃત્તિનો એલ.સી.બી. દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યાં જ હવે પોરબંદર એસ.ઓ.જી. પોલીસે સત્યનારાયણ મંદિર નજીક આવેલી ‘યોગી ડેરી’માં થી ૩૦ કિલો શંકાસ્પદ ભેળ સેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડતાં ખાદ્યપદાર્થોની ભેળસેળ સામે ચાલી રહેલી કાર્યવાહી વધુ તેજ બની છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પોરબંદર એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. જાડેજાએ બાતમીદારોને સક્રિય કરી ગુપ્ત માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન એ.એસ.આઈ. આર.એસ. ચાઉં તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.આર. ગોઢાણીયાને બાતમી મળી હતી કે, પોરબંદરના સત્યનારાયણ મંદિર પાસે દેવદર્શન એપાર્ટમેન્ટ નીચે આવેલી ‘યોગી ડેરી’માં કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા વિજયભાઈ નટવરભાઈ કોટેચા નામના ઈસમ દ્વારા શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી સંગ્રહ કરવામાં આવે છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરતાં વિજયભાઈ નટવરભાઈ કોટેચા, ઉંમર ૫૭ વર્ષ, મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન ૧૫ કિલોની ક્ષમતા વાળા બે ડબ્બામાં ભરેલો કુલ ૩૦ કિલો શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરતાં અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શંકાસ્પદ ઘીના જરૂરી સેમ્પલ તપાસ માટે કબજે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ૩૦ કિલોનો સમગ્ર જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. આ મામલે વિજયભાઈ નટવરભાઈ કોટેચા વિરૂધ્ધ ફૂડ સેફ્ટી સંબંધિત કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, ઘીમાં ખરેખર ભેળસેળ થઈ છે કે કેમ તે અંગેનો અંતિમ ર્નિણય સેમ્પલના લેબોરેટરી પરીક્ષણના પરિણામ બાદ સ્પષ્ટ થશે. પોલીસની આ કાર્યવાહીથી શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની સંભાવના ધરાવતી પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો ગયો છે. એસ.ઓ.જી. દ્વારા પરંપરાગત ગુનાખોરી ઉપરાંત લોકોના આરોગ્યને સીધી અસર કરી શકે તેવી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોની પ્રવૃત્તિઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.


