ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યો

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ, તા.24
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો પાયલટો નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરતાં અત્યંત સતર્કતાપૂર્વક ટ્રેનોનું સંચાલન કરી રહ્યા છે. લોકો પાયલટોની સજાગતા તેમજ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરો સાથેના સુમેળભર્યા સંકલનના પરિણામે નાણાકીય વર્ષ 2024-25 દરમ્યાન કુલ 159, નાણાકીય વર્ષ 2025-26 દરમ્યાન 129 તથા વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં 32 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. 23 જુલાઈ, 2026ના રોજ લોકો પાયલટ ચંદન કુમાર (મુખ્યાલય–જૂનાગઢ) તથા સહાયક લોકો પાયલટ મોહમ્મદ શિબ્લી (મુખ્યાલય–જૂનાગઢ) ટ્રેન નં. 52955 વેરાવળ–જૂનાગઢ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા. આ દરમ્યાન સાસણ ગીર–કાંસિયાનેશ રેલખંડમાં કિ.મી. નં. 114/02–114/01 નજીક અચાનક એક સિંહ રેલવે ટ્રેક પર જાેવા મળ્યો. પરિસ્થિતિની ગંભીરતા સમજી લોકો પાયલટે તાત્કાલિક સૂઝબૂઝ અને સતર્કતાનો પરિચય આપતાં ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી, જેના કારણે સિંહ સંભવિત અકસ્માતમાંથી બચી ગયો. ત્યારબાદ લોકો પાયલટે તરત જ ટ્રેન મેનેજર (ગાર્ડ)ને ઘટનાની જાણ કરી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર જે. જી. પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યો. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ લોકો પાયલટને ટ્રેનને ફરીથી પ્રસ્થાન કરવાની મંજૂરી આપવામાં આવી અને ટ્રેનને સાવચેતીપૂર્વક તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી. આ ઘટનાની જાણ થતાં જ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના અન્ય અધિકારીઓએ લોકોપાયલટોની સતર્કતા, સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. ભાવનગર મંડળ વન્યજીવ સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને રેલવે તથા વન વિભાગના સંકલિત પ્રયાસોથી એશિયાટિક સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્ય કરતું રહેશે.