માંગરોળના મીઠીવાવ વિસ્તારમાંથી ખુંખાર દિપડો પાંજરે પૂરાતા લોકોને રાહત
જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓની ખાવાપીવાની વ્યવસ્થા અભાવે રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે
માંગરોળ તા.21
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છેલ્લા ઘણા સમયથી દિપડાઓનું વધારો થતો જાેવા મળી રહ્યો છે. એમા પણ રહેણાંક વિસ્તારોમા દિપડાઓના આટાફેરા થી જનજીવન ભયજનક બન્યું છે. આવી રીતે માંગરોળનાં મીઠીવાવ જેવા રહેણાંક વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દિપડાએ મારણ કરવાનું ચાલું કરતા લોકોમા ભય ફેલાયો હતો. બે દિવસ અગાઉ દિપડાએ એક બકરાનું અને કૂતરાનુ મારણ કર્યુ હતું. અઠવાડિયા પહેલાં પણ આજ વિસ્તારમાં દિપડાએ એક બકરાનું મારણ કર્યુ હતું. રહેણાંક વિસ્તારમાં દિપડો ઘર કરી જતા લોકોએ વનવિભાગ ને ફરીયાદ કરી હતી આ સાથે જીલ્લા પંચાયતના સભ્ય અને ઘાંચી સમાજના આગેવાન ફારૂકભાઈ હકીમે પણ ફોરેસ્ટરને ટેલિફોનિક રજુઆત કરતા આખરે દિપડો પકડવા મીઠીવાવના કેનાલ પાસે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. જેમા આજે દિપડો પાંજરે પુરતા રહીશોએ રાહત અનુભવી હતી. હાલ આ દીપડાને અમરાપુર એનિમલ કેર ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં દિવસે ને દિવસે હિંસક પ્રાણીઓની અવરજવર વધી રહી છે અને લોકો અસલામતી અનુભવી રહ્યા છે ત્યારે જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓ માટે ખાવાનું અને પાણીની સુવ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


