દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં 6 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતાં આરોગ્ય તંત્ર એલર્ટ
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.21
દ્વારકા ખાતે 6 વર્ષના એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકમાં તાવ, ખેંચ આવવી, ચક્કર આવવા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ જણાતા તેને વધુ સારવાર અર્થે તાત્કાલીક જામનગર ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જયાં હાલ તેનું તબીબી નિરીક્ષણ અને સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દ્વારકાના બીરલા પ્લોટ વિસ્તારમાં 150 થી 200 જેટલા ઘરોમાં નગરપાલીકાના સંયોજનથી સઘન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સાવચેતીના પગલા રૂપે બાળકના ઘરની આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે તેમજ આસપાસના રહીશોનું ટેસ્ટીંગ અને પૂછપરછ કરી આરોગ્યની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે અને જો કોઈ બાળકમાં તાવ, ખેંચ આવવી, ઉલટી કે ચક્કર આવવા જેવા લક્ષણો જણાય તો ગભરાયા વગર તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને સમયસર નિદાન કરવા સૂચના આપવામાં આવી હતી.


