આગામી તા.૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર શિવરાત્રીનો મેળો માણવા ભાવિકોમાં ભારે ઉત્સાહ
મિડીયા, સોશ્યલ મિડીયામાં સતત આવતા અહેવાલોએ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી :૧પ લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવી ધારણા
જૂનાગઢ તા. ૬
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળા અંગેની તૈયારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. આગામી શિવરાત્રીનો મેળો ‘ભવ્ય’ બને તે માટેનાં પ્રયાસો તંત્ર દ્વારા જાેરશોરથી ચાલી રહયા છે. મિડીયા, સોશ્યલ મિડીયામાં શિવરાત્રી મેળાનાં સતત આવી રહેલા અહેવાલોને પગલે લોકોમાં પણ ભારે ઉત્સુકતા જગાવી છે અને શિવરાત્રીનો મેળો હાલ ઉત્સુકતાનું કેન્દ્ર બન્યો છે. આ વર્ષે યોજાનાર શિવરાત્રીનો આ મેળો વર્લ્ડ ફેમસ બનવા તરફ જઈ રહયો છે. ત્યારે અંદાજીત ૧પ લાખથી વધુ ભાવિકો મેળો માણવા આવે તેવી શકયતાને લઈને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં યોજાતો શિવરાત્રીનો મેળો દિવસે દિવસે વિરાટ બનતો જઈ રહયો છે. શિવરાત્રીના મેળામાં નાના, મોટા, અબાલ, વૃધ્ધ સહુ કોઈ પધારે છે તેમજ અહીં પધારનાર સંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. છેલ્લા વર્ષોની સંખ્યા જાેઈએ તો ૮ લાખથી વધુ ભાવિકો શિવરાત્રીનો મેળો માણેલ છે. સંતોના સાંનિધ્યમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ છે. સંતવાણીના કાર્યક્રમો પણ મોડી રાત સુધી યોજાતા રહયા છે. શિવરાત્રીના મેળાનો પ્રારંભ મહાવદ-૯ ના ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરાયા બાદ થાય છે અને આ સાથે શિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થાય છે.
મેળામાં આવનાર ભાવિકોની સગવડતા માટે પ્રસાદ માટે સંખ્યાબંધ અન્નક્ષેત્રો શરૂ થાય છે અને પ્રેમથી ભાવિકોને ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે. શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ એટલે રવાડી સરઘસ, શિવરાત્રીનાં દિવસે દિગમ્બર સાધુઓની રવાડી નીકળે છે અને વાજતે ગાજતે નીકળતી રવાડી સરઘસ મૃગીકુંડ ખાતે સંતોના સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવની મહાપૂજા બાદ શિવરાત્રીનાં મેળાની પુર્ણાહુતી થાય છે. હરીદ્વાર ખાતે યોજાતા કુંભમેળા જેટલું જ મહત્વ શિવરાત્રી મેળાનું રહેલું છે. શિવરાત્રીનો મેળો શરૂ થાય એટલે દુર-દુરથી ભાવિકો મેળામાં પધારે છે. દરમ્યાન આ વર્ષનો મેળો દિવ્ય અને ભવ્ય બનાવવા માટે સરકારનો અભિગમ છે. અને જેને લઈને જૂનાગઢ જીલ્લા વહીવટીતંત્ર તેમજ સંબંધીત તંત્ર દ્વારા છેલ્લા દોઢ માસ થયા તડામાર તૈયારીઓ કરી રહેલ છે. આસ્થાના કેન્દ્ર એવા ભવનાથ મહાદેવ મંદિરને અલૌકિક શણગારથી લઈ જુદી જુદી અનેક વ્યવસ્થા અને આયોજનો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી દોરવણી હેઠળ શિવરાત્રી મેળાનું ભવ્ય સ્વરૂપ અપાઈ રહયું છે. અહીં પધારનાર સંતો, ભાવિકોને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે અથાગ પ્રયાસો અને વ્યવ્સ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. બેઠકોનો સતત દોર ચાલી રહયો છે. શિવરાત્રીનો મેળો વર્લ્ડ ફેમસ બનાવવા અને સમગ્ર વિશ્વ ભવનાથના મેળાનું દર્શન કરી શકે, આધ્યાત્મિક પર્વ તરીકે ભક્તિભાવભેર શિવરાત્રી મેળાની ઉજવણી સાથે ભવ્યાસભર કાર્યક્રમોનાં આયોજન કરી અને યોગ્ય વ્યવસ્થા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહયા છે. બીજીતરફ જૂનાગઢ ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રીના મેળા અંગેનાં રોજેરોજ મિડીયા, સોશ્યલ મિડીયામાં આવતા અહેવાલોને કારણે પણ એક આખો માહોલ ઉભો થયો છે અને લોકોમાં પણ આગામી શિવરાત્રી મેળો કેવો યોજાશે તે અંગે ભારે ઉત્સુકતા જગાવી છે. બીજીતરફ તંત્ર પણ શિવરાત્રીનાં મેળાના આયોજનમાં કોઈ કચાસ રાખવા માંગતું ન હોય તેવી તૈયારી કરી રહયું છે. આ વખતનાં શિવરાત્રી મેળાનાં દિવ્ય દર્શન માટે ૧પ લાખથી વધુ ભાવિકો ઉમટી પડે તેવી ધારણા છે.


