આવતીકાલે લોકચુકાદો : જાે જીતા વહી સીકંદર

રાજયની 15 મહાનગરપાલીકા, 84 નગરપાલીકા, 34 જીલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના કુલ 25,551 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ જશે

આવતીકાલે લોકચુકાદો : જાે જીતા વહી સીકંદર

(બ્યુરો)          ગાંધીનગર તા.27:
ગુજરાતમાં 15 મહાનગરપાલીકા, 84 નગરપાલીકા, 34 જીલ્લા પંચાયત તથા 26 તાલુકા પંચાયતમાં યોજાયેલી ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો સહિત સંબંધીત તમામની નજર હવે આવતીકાલના પરીણામ પર છે. 44 ડીગ્રીનાં આકરા તાપ, મતદાર સુધારણા પ્રક્રિયા (SIR) તથા ઓબીસી અનામત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદાન નિરસ ગણાવાયું હોવાથી રાજકીય પક્ષો એલર્ટ છે. ખાસ કરીને સતાધારી પક્ષ ભાજપમાં ઉચાટ છે.જયારે કોંગ્રેસ-આપ જીતના દાવા સાથે ગત ટર્મ કરતા વધુ સારો દેખાવ રહેવાનો સુર દર્શાવી રહ્યા છે.
આવતીકાલે સવારથી મતગણતરી શરૂ થવા સાથે બપોર સુધીમાં ચિત્ર ઘણા અંશે સ્પષ્ટ થઈ જવાનું માનવામાં આવી રહ્યું છે. રાજય ચૂંટણી પંચના રીપોર્ટ પ્રમાણે 15 મહાનગરપાલીકાનું સરેરાશ-મતદાન 49.02 ટકા રહ્યું હતું આ વખતે નવી 9 મહાપાલીકામાં પ્રથમ વખત ચૂંટણી થઈ હોવાથી ગત ટર્મનાં સરેરાશ મતદાનની સરખામણી બંધ બેસી શકે તેમ નથી. 34 જીલ્લા પંચાયતમાં સરેરાશ 61.69 ટકા, મતદાન હતું. 2021ની સરખામણીએ રાજકોટ સહીતની અનેક જીલ્લા પંચાયતોમાં પાંચ ટકા જેટલુ ઓછુ નોંધાયુ હતું.
84 નગરપાલીકાઓનુંસરેરાશ મતદાન 59.50 ટકા રહ્યું હતું. જુદી-જુદી નગરપાલીકામાં 11 બેઠકોની પેટા ચૂંટણી પણ થઈ હતી તેમાં સરેરાશ 51.38 ટકા મતદાન થયુ હતું. રાજયની 260 તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન થયુ હતું.