ઈરાન-અમેરીકા તંગદીલીથી શેરબજારમાં કડાકો : ક્રુડનો ભાવ ૧૦૦ ડોલર નજીક
(એજન્સી) બેંગલુરુ તા.૦૭ :
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક થયેલા વધારાના પગલે આજે ભારતીય શેરબજારની શરૂઆત ભારે કડાકા અને ઘટાડા સાથે થઈ છે, જેના કારણે રોકાણકારોમાં વેચવાલીનું જોરદાર દબાણ જોવા મળ્યું છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ આશરે પ૦૦ અંક ઘટીને ૭૬,૦૯૧ નજીક પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૩૦ અંક તૂટીને ૨૩,૭૬૭ આસપાસ કારોબાર કરી રહ્યો હતો.જ્યારે લગભગ તમામ સેક્ટરમાં નબળાઈ છવાયેલી છે.
બજારના આંકડાકીય વિશ્લેષણ મુજબ, નિફ્ટીનો એડવાન્સ-ડિકલાઈન રેશિયો ૧૧:૩૯ પર ચાલી રહ્યો છે, જે દર્શાવે છે કે બજારમાં ૩૯ શેરોમાં વેચવાલીનું ભારે દબાણ છે જ્યારે માત્ર ૧૧ શેરોમાં જ ખરીદી જોવા મળી રહી છે.
ભારતીય બજારની સાથે વિદેશી અને એશિયન બજારોમાં પણ અસ્થિરતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે, જેમાં ડાઉ ફ્યુચર્સ ૧૯૧ પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે તથા હેંગ સેંગ અને શાંઘાઈ કમ્પોઝિટમાં પણ ૨૯૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જોકે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૧.૭૭ ટકાના ઉછાળા સાથે ૧,૧૮૪ પોઈન્ટ વધીને મજબૂતી દર્શાવી રહ્યો છે.
ક્રૂડ તેલનો ભાવ પ્રતિ બેરલ ૯૭ ડોલરની નજીક પહોંચતાં ભારતના આયાતખર્ચ અને મોંઘવારી અંગે ચિંતા વધી છે. અમેરિકામાં રોજગારીના મજબૂત આંકડાઓ બાદ ત્યાં વ્યાજદર વધવાની શક્યતાએ પણ બજારનું માનસ બગાડ્યું હતું.


