ઈન્ડિગો સંકટ બાદ DGCAનો ર્નિણય પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૬
સમગ્ર દેશમાં ઈન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હરકતમાં આવ્યું છે. ડીજીસીએએ એરલાઈન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે.
આ અંગે ડીજીસીએ દ્વારા એક સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો છે. ડીજીસીએના નવા વિકલી રેસ્ટ આદેશને કારણે જ ઈન્ડિગોએ પાયલોટની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે છેલ્લા ચાર દિવસમાં ઈન્ડિગોની ૧,૩૦૦થી વધુ ફ્લાઇટ રદ થઈ ચૂકી છે અને એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળી પડ્યા છે. હવે ડીજીસીએએ પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે, વિવિધ એરલાઇન્સ તરફથી આ મામલે સતત ફરિયાદો મળી રહી હતી. વિમાનોની અવરજવર રાબેતા મુજબ ચાલુ રાખવા અને મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાપ્તાહિક આરામ સંબંધિત આ આદેશ પાછો ખેંચી લેવાનો ર્નિણય લેવાયો છે, જે તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાનો રહેશે.
નોંધનીય છે કે, નવા સાપ્તાહિક આરામના આદેશને કારણે, ઈન્ડિગો પાઇલટની અછતનો સામનો કરી રહી હતી, જેના પરિણામે છેલ્લા ચાર દિવસમાં ૧,૩૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.


