એસએસસી ધો.૧૦નું અત્યાર સુધીનું સૌથી ઉંચુ ૮૩.૮૬ ટકા પરિણામ જાહેર

એસએસસી ધો.૧૦નું અત્યાર સુધીનું સૌથી ઉંચુ ૮૩.૮૬ ટકા પરિણામ જાહેર

(બ્યુરો)      અમદાવાદ તા.૦૬
ગુજરાતમાં ધોરણ-૧૦ એસ.એસ.સી. પરીક્ષાનું 83.86 ટકા પરિણામ જાહેર થયું છે, જે અત્યાર સુધીનું સૌથી ઉંચુ પરિણામ છે. જેમાં વિર્દ્યાથિનીઓનું પરિણામ 88.28 ટકા આવ્યું છે જે વિદ્યાર્થીઓ કરતાં આગળ રહ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42 ટકા નોંધાયું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્ર એ 100 ટકા પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74 ટકા સાથે સૌથી છેલ્લે રહ્યું છે.
આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં 1,697 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન-2026માં ‘Best of Two’ પદ્ધતિ સાથે પૂરક પરીક્ષા યોજાશે.
ગત વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 1574 શાળાઓ હતી જેમાં વધારો થતા આ વર્ષે 1697 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગત વર્ષે 45 શાળાઓનું 0 ટકા પરિણામ આવ્યું હતું જે ઘટીને આ વર્ષે માત્ર 39 શાળાઓનું જ 0 ટકા પરિણામ આવ્યું હતું.