ઓડીશાથી ટપાલ મારફતે મંગાવવામાં આવેલ 4.239 કિલો ગાંજાના જથ્થા સાથે એસઓજીએ બે પેડલરોને ઝડપી લીધા

ઓડીશાથી ટપાલ મારફતે મંગાવવામાં આવેલ 4.239 કિલો ગાંજાના જથ્થા સાથે એસઓજીએ બે પેડલરોને ઝડપી લીધા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.23
જૂનાગઢ શહેરમાં ઓડીશા રાજ્યમાંથી ટપાલ મારફતે મંગાવવામાં આવેલો 4.239 કિલો વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થા સાથે બેને જૂનાગઢ એસઓજીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલ રોહિત ધાધલ તેમજ કૃણાલસિંહ પરમારને ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢના અમિત ઉર્ફે ચેમ્પિયન અને કિરણ રાઠોડ નામના શખ્સોએ ઓડીશા રાજ્યમાંથી ટપાલ સેવા મારફતે પ્રતિબંધિત નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મંગાવેલો છે. આ પાર્સલ ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યું છે. એસઓજી પોલીસ ટીમ દ્વારા ભવનાથ પોસ્ટ ઓફિસ નજીકના માર્ગ પર સફળ રેઈડ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ મેળવવા માટે આવેલા બે શખસોને પોલીસે કોર્ડન કરીને સ્થળ પર જ દબોચી લીધા હતા. તેમની પાસે રહેલા પાર્સલની તપાસ કરતા તેમાંથી 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 2,11,950 રૂપિયા અંકાયેલી છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 10,000 રૂપિયાની કિંમતનો 1 નંગ મોબાઈલ ફોન તથા 30,000 રૂપિયાની કિંમતનું 1 નંગ સુઝુકી એક્સેસ મોટરસાયકલ કબ્જે કર્યું હતું. આમ પોલીસે કુલ મળીને રૂા.2,51,950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેઈડ દરમિયાન પોલીસે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 28 વર્ષીય રઇશખાન રહીમખાન યુસુફજઇ પઠાણ, જે જૂનાગઢમાં નરસિંહ સ્કૂલ સામે આવેલી ભટ્ટી શેરીનો રહેવાસી છે, અને 22 વર્ષીય સોહીલ રજાક શેખ, જે જૂનાગઢના સંઘાડીયા બજાર સ્થિત ઝાલોરાપાનો રહેવાસી છે, આ બંને ઈસમોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા બંને આરોપીઓએ નશીલો પદાર્થ મેળવવા માટે સ્થાપિત કાવતરામાં ભાગ ભજવ્યો હતો, જેથી પોલીસે તેમની વિધિવત ધરપકડ કરીને જેલહવાલે કરવાની તજવીજ કરી છે.
પોલીસ તપાસ દરમ્યાન આ ગુનામાં સંકળાયેલા અન્ય પાંચ આરોપીઓને પકડવાના બાકી છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડવાના બાકી આરોપીઓમાં જૂનાગઢના રહેવાસી અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરૂભાઇ રાઠોડ અને કિરણ કાનજીભાઇ રાઠોડ મુખ્ય સૂત્રધારો છે, જેમણે આ જથ્થો મંગાવ્યો હતો. આ ઉપરાંત ઓડીશાથી આ પાર્સલ મોકલનાર ગોપી દાદા, જે રૂપ્રા રોડ ઓડીશા પિન કોડ 766110 નો રહેવાસી છે, તેમજ જૂનાગઢના બાગેરજા એપાર્ટમેન્ટમાં રહેતો અકીલ ફિરોજભાઇ સીડા અને જૂનાગઢનો રહેવાસી સમુન દિલાવરભાઇ લાસારી નો પણ સમાવેશ થાય છે. આ તમામ ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.