કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસથી ગીર જંગલમાં 15 દિવસમાં 8 સિંહોના મોત

સિંહો પર મોટુ સંકટ : વન વિભાગ હાઈએલર્ટ પર : તત્કાલ એકશન પ્લાન અમલમાં મુકાયો

કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસથી ગીર જંગલમાં 15 દિવસમાં 8 સિંહોના મોત

જૂનાગઢ/અમરેલી તા.26
ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે 15 દિવસના ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં બે સિંહોના ભેદી રોગથી મોત થયા હતા. આ ઉપરાંત, ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ બે થી વધુ સિંહોના મોત નોંધાયા છે.
આ રોગચાળાની સૌથી ઘાતક અસર સિંહબાળ (તરૂણ સિંહો) પર જોવા મળી રહી છે. વનવિભાગના જણાવ્યા અનુસાર, લીલીયા રેન્જમાં 1 સિંહબાળનું મોત, સાવરકુંડલા રેન્જમાં 1 સિંહબાળનું મોત અને સરસિયા રેન્જમાં 1 સિંહબાળનું મોત થયું છે. રોગચાળો આગળ વધતો અટકાવવા માટે વનતંત્ર દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
ધારી સરસિયા રેન્જમાંથી 8 સિંહોના આખા જૂથને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. જંગલ વિસ્તારમાંથી સૌપ્રથમ અશક્ત અને નબળા દેખાતા સિંહોને શોધીને તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. જુદા-જુદા વિસ્તારોમાં સિંહોના જૂથોને તેમના લક્ષણોના આધારે અલગ પાડી, લોહી તેમજ અન્ય સેમ્પલ લેવાની કવાયત હાથ ધરાઈ છે. એનિમલ ડોક્ટરોની વિશેષ ટીમો દ્વારા સિંહોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તેવા સિંહોને રાત્રિ દરમિયાન પાંજરે પૂરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.