ક્રિપ્ટોકરન્સીમાં ૧૦ ટકાનો જાેરદાર કડાકો રોકાણકારોનાં બે ટ્રીલીયન ડોલર ડુબી ગયા
બીટકોઈનનો ભાવ ૬૦ હજાર ડોલર નજીક પહોંચ્યો : ઓકટોબર -ર૦ર૪ પછીનો સૌથી મોટો કડાકો
(એજન્સી) મુંબઇ, તા.૬
વૈશ્વિક ઘટનાક્રમો વચ્ચે મેટલ સહિતની કોમોડીટીમાં થઇ રહેલી ઉથલપાથલ વચ્ચે હવે બીટકોઇનમાં પણ જબરદસ્ત કડાકા રહ્યા છે અને આજે બીટકોઇનનો ભાવ ૬૦,૦૦૦ ડોલરની નજીક નીચે ઉતરી ગયો હતો. ઓકટોબર-૨૦૨૪ પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાયો હતો અને ઇન્વેસ્ટરોના બે ટ્રીલીયન ડોલર ડૂબી ગયા હતા. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી એવી બીટકોઇનમાં વધુ પ્રચંડ કડાકો નોંધાયો હતો અને ૬૩,૨૯૫.૭૫ ડોલર સાંપડયો હતો. જે ઓકટોબર-૨૦૨૪ પછીના સૌથી નીચલા સ્તરે છે. અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પૂર્વે ભાવ થયો હતો તેનાથી પણ નીચે ઉતરી ગયો છે.
બીટકોઈન એક જ દિવસમાં ૧૨.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે નવેમ્બર-૨૦૨૨ પછીનો સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક અબજ બીટકોઇનની પોઝીશન હળવી થઇ હતી. ગત ઓકટોબરના પ્રારંભે બીટકોઇનનું વેલ્યુએશન ૪.૩૭૯ ટ્રીલીયન ડોલરની ટોચ પર પહોંચ્યું હતું. જેમાંથી બે ટ્રીલીયન ડોલર ધોવાઇ ગયા છે. છેલ્લા એક મહિનામાં તેમાં ૮૦૦ અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું હતું. ચાલુ અઠવાડિયામાં બીટકોઇનમાં ૧૭ ટકાનો તિવ્ર ઘટાડો નોંધાયો છે.
ચાલુ વર્ષમાં ૨૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી એથર માર્કેટ કેપમાં ગઇકાલે એક જ દિવસમાં ૧૩ ટકાનો કડાકો સર્જાયો છે.


