ખેતલીયા દાદા મંદિરનાં મહંતની હત્યા કેસનાં મુખ્ય આરોપી જુસબ અલારખા સહીત ૬ આરોપીને અદાલતે નિર્દોષ જાહેર કર્યા

સરકારી પક્ષ આરોપીઓ વિરૂધ્ધ ગુનો સાબિત કરી શકયો નહી : અદાલતે બેનીફીટ ઓફ ડાઉટ આપતા આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો

ખેતલીયા દાદા મંદિરનાં મહંતની હત્યા કેસનાં મુખ્ય આરોપી જુસબ અલારખા સહીત ૬ આરોપીને અદાલતે નિર્દોષ જાહેર કર્યા

જૂનાગઢ તા. ર૧
જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ખેતલીયા દાદાની જગ્યાના મહંત રામાનંદ ગુરૂ અખંડાનંદ સાધુની ૧૪ વર્ષ પહેલા થયેલી હત્યા કેસનો ચુકાદો આવી ગયો છે. હત્યાના આ બનાવ અંગે લાંબી કાયદાકીય લડત બાદ જૂનાગઢ સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. 
ન્યાયાલયે પુરાવાઓની કડી જોડવામાં નિષ્ફળ રહેલા તપાસ પક્ષની ખામીઓને ધ્યાને રાખી આરોપીઓને શંકાનો લાભ આપીને મુખ્ય આરોપી જુસબ અલારખા સહિત તમામ ૬ જીવિત આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
શ્રી ખેતલીયા દાદાની જગ્યાનાં મહંત રામાનંદ ગુરૂ અખાડાનંદની હત્યા પ્રકરણ અંગેની મળતી વિગત અનુસાર વર્ષ ૨૦૧૨માં ઝાંઝરડા ગામના સર્વે નંબર ૩૫ અને ૩૭ ની ‘જયનગર‘ તરીકે ઓળખાતી કિંમતી જમીનના વેચાણ અને કબજા બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. આરોપીઓએ આ જમીન હડપવા અને માલિકો પાસેથી નાણાં પડાવવા માટે ગુનાહિત કાવતરૂં રચ્યું હોવાનો પોલીસનો દાવો હતો. આ વિવાદમાં મધ્યસ્થી અથવા અડચણરૂપ બનેલા મહંત રામાનંદ ગુરૂ અખાડાનંદની ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર જૂનાગઢ શહેર અને સાધુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. દરમ્યાન આ કેસની કાર્યવાહી અદાલતમાં ૧૪ વર્ષ ચાલી હતી. જેમાં ન્યાયાલય સમક્ષ રજૂ કરાયેલા તહોમતનામા મુજબ, આ કેસમાં કુલ ૧૧ આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨ (હત્યા), ૧૨૦-બી (ગુનાહિત કાવતરૂં) અને હથિયાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં જુસબ ઉર્ફે જુસો અલારખા સાંધ સંધી, સીકન્દર ઉર્ફે સીકલો હાલા ગામેતી, સલીમ ઉર્ફે અઠીયો સુલેમાન હાલા (મૃત્યુ), હાજી જુમા સમા ડફેર, યુસફ ઉર્ફે ઈસા જુમાભાઈ કેવર ડફેર, હારુન આમંદ ગંભીર સંધી, જાવીદખાન ઉર્ફે જાવલો કાસમખાન આગવાન પઠાણ (મૃત્યુ), નગા લખમણ રાઠોડ, રામા નગા રાઠોડ, સલીમ ઉર્ફે ભુરીયો હુસૈન સોઢા, અવતારસિંહ ઉર્ફે ફેન્સી જોગેન્દરસિંગ લબાના શીખ (મૃત્યુ) સામે લાંબી ટ્રાયલ દરમ્યાન ૧૧ પૈકી ૫ાંચ આરોપીઓના કુદરતી કારણોસર મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે બાકીના ૬ આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. આ કેસમાં આરોપી પક્ષના વકીલ દીપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા ૬૯ સાક્ષીઓ અને ૨૦૦થી વધુ દસ્તાવેજી પુરાવાઓ ગુનાની કડી જોડવા માટે અપૂરતા છે. ન્યાયાધીશ શ્રી ડી. જી. દવેએ બંને પક્ષોની દલીલો અને કાયદાકીય પાસાઓને તપાસ્યા બાદ ઠેરવ્યું હતું કે, પ્રોસીકયુશન આરોપીઓ વિરૂધ્ધ નિ:શંકપણે ગુનો  સાબિત કરી શક્યો નથી. તેમ ‘બેનિફિટ ઓફ ડાઉટ‘ આપીને તમામ ૬ આરોપીઓને આ કેસમાં  નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં નિર્દોષ છૂટકારો થયો હોવા છતાં, આરોપી જુસબ અલારખા સામે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને પડતર કેસોને જોતા, મહંત હત્યાકેસમાં નિર્દોષ છુટવા છતાં તે હજુ પણ જેલના સળિયા પાછળ જ રહેશે. આમ ૧૪ વર્ષની લાંબી કાનૂની લડત બાદ ખેતલીયા દાદાની જગ્યાના આ હત્યાકાંડના કેસમાં આખરે પડદો પડી ગયો છે.