ગિરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી, રંગા-બીલ્લાની જાેડી અને ડુપ્લીકેટ શંકરાચાર્યની ચંડાળ ચોકડીએ ગિરનારને વેંચી માર્યો - અમરગીરીબાપુનો સનસનીખેજ આક્ષેપ

ભવનાથ મંદિર પરિવારના સંત અમરગીરીબાપુના વિડીયો નિવેદને ખળભળાટ મચાવી દીધો 

ગિરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી, રંગા-બીલ્લાની જાેડી અને ડુપ્લીકેટ શંકરાચાર્યની ચંડાળ ચોકડીએ ગિરનારને વેંચી માર્યો - અમરગીરીબાપુનો સનસનીખેજ આક્ષેપ

જૂનાગઢ તા.ર૧
જૂનાગઢ શહેરમાં આગામી તા.ર૩ એપ્રિલે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત સનાતનીઓનું એક વિશાળ સંમેલન, રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ આડે હવે માત્ર ગણત્રીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તે અંગેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. 
આ દરમ્યાન જુદા-જુદા સંતો-મહંતો અને સનાતનીઓની આ રેલીમાં દરેક ધર્મપ્રેમીએ ખાસ ઉપસ્થિત રહેવા માટેના આહવાન કરેલ છે. દરમ્યાન ભવનાથ મંદિર પરિવારના સંતશ્રી અમરગીરી બાપુએ એક વિડીયો નિવેદનના માધ્યમથી સનાતનીઓને આ રેલીમાં ઉમટી પડવાની હાકલ તો કરી છે સાથે સાથે ભવનાથ ક્ષેત્રના કેટલાક સંતો વિરૂધ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે અને ચંડાળ ચોકડીએ ગિરનારને વેંચી નાંખ્યો છે તેવા ગંભીર પ્રકારના આક્ષેપોને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે.
અમરગીરીબાપુએ વિડીયોમાં જણાવેલ છે કે, ગિરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુ છે અને આ ઈન્દ્રભારતીબાપુ તેમજ રંગા-બીલ્લાની જાેડી અને ડુપ્લીકેટ શંકરાચાર્ય સહિતની ચંડાળ ચોકડીએ ગિરનારને વેંચી માર્યો છે આ ચંડાળ ચોકડીએ જૈન ધર્મના મોટા-મોટા ઉદ્યોગપતિઓ સામે ડીલ કરી છે. અને અરબો અને ખરબો રૂપિયા પણ તેમની પાસેથી મેળવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. આટલેથી નહીં અટકતા અમરગીરી બાપુએ ઈન્દ્રભારતીબાપુ સામે તીર તાખ્તા જણાવ્યું છે કે, ઈન્દ્રભારતીબાપુએ તેની દિકરીના લગ્નમાં ભારે મોટો ખર્ચો કર્યો છે. ર૦ જેટલા સોનાના કળશની વહેંચણી કરી છે. સોનાનો એક કળશ રપ૦ ગ્રામનો થાય આવા ર૦ જેટલા કળશની વહેંચણી કરી છે તો કેટલો ખર્ચો થયો હશે અને આ બધો જ ખર્ચો ઈન્દ્રભારતીએ કરેલ છે. અને ગિરનાર વેંચી વેંચીને જે પૈસા ઉભા કરેલ છે. તે પૈસામાંથી જ આવા અઢળક ખર્ચા કરેલ છે. અમરગીરીબાપુએ કરેલા આ આક્ષેપોને પગલે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. તે સાથે જ અમરગીરીબાપુએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, સંબંધીત જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ રજુઆત કરતા જણાવેલ છે કે, ગિરનારને વેંચી નાખવાની જે હીન પ્રવૃતિ થઈ રહી છે તે પ્રવૃતિ તાત્કાલીક અસરથી રોકવા અને જરૂરી તમામ પગલા ભરવાની પણ માંગણી કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજુઆત કરતા જણાવેલ છે કે, ગિરનાર ક્ષેત્રમાં જે બનાવો બની રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી કરે અને જમીન વેંચવાના કે જમીન હડપવાના કારસા કરનારાઓ સામે પણ પગલા ભરવાની માંગણી કરી છે.