ગીરનાં સિંહ શા માટે માનવ ભક્ષી બન્યા ? છેલ્લા બે મહીનામાં પાંચ લોકોનો શિકાર કર્યો
ગીરમાં વસ્તી વધતા સિંહોનું રેવન્યુ વિસ્તારમાં આવવું : ગેરકાયદેસર સિંહ દર્શન અને પજવણીનાં બનાવો કારણરૂપ : સાવચેતી જાળવવા વન વિભાગની અપીલ
જૂનાગઢ તા. ૧૦
એશિયાટીક સિંહોનાં રહેઠાણ ગણાતા ગીર વિસ્તારમાં છેલ્લા બે મહીનામાં સિંહોનાં હુમલાનાં સતત બનાવો બની રહયા છે. પાંચ લોકોનો સિંહોએ શિકાર કર્યાની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો છે. અવાર નવાર થતા સિંહનાં હુમલાનાં બનાવને લઈને ચિંતાજનક સ્થિતિ પ્રસરી છે. ત્યાર સવાલ એ ઉઠે છે કે જંગલ વિસ્તાર છોડી સિંહો રેવન્યુ વિસ્તારમાં અવાર નવાર કેમ આવી ચડ ેછે ? તો તેના કારણમાં ગીરમાં વસ્તી વધતા રેવન્યુ વિસ્તારમાં સિંહો અવાર નવાર આવી ચડે છે. ગેરકાયદેસર સિંહ દર્શન અને પજવણી સહીતનાં કારણોને કારણે સિંહો રેવન્યુ વિસ્તાર તરફ વળ્યા છે ત્યારે સિંહનાં વધતા જતા હુમલાને અટકાવવા માટેનાં વન વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને પણ વન વિભાગની સુચનાઓનું પાલન કરી અને કુદરત અને વન્ય જીવોનું સંરક્ષણ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
છેલ્લા કેટલા સમય થયા જંગલનાં રાજા સિંહ અને તેનો પરીવાર અવાર નવાર રેવન્યુ વિસ્તારમાં આવે છે અને માનવ ઉપર જીવલેણ હુમલાનાં બનાવો છાશવારે નોંધાતા રહયા છે. સિંહોનાં હુમલાનાં બનાવમાં જાેઈએ તો ૭ મેનાં ઝાફરાબાદનાં ભાખોદર ગામે હુમલાની ઘટના બની હતી.
આ ઉપરાંત ૧૧ જુન બગસરાનાં ઘંટીયાણ ગામે સિંહનાં હુમલાનો બનાવ બન્યો હતો. જયારે ૧૭ જુનનાં રોજ રાજુલાનાં કોવાયા ગામે પણ સિંહનાં હુમલાની ઘટના બની હતી. આ ઉપરાંત રપ જુન ખાંભાનાં કાતર ગામે તેમજ ૮ જુલાઈનાં લીલીયાનાં અંટાણીયા ગામે સિંહોએ હુમલો કર્યાનાં બનાવ નોંધાયા છે. આ ઉપરાંત ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવકને પણ સિંહે ફાડી ખાધો હોવાની ઘટના બની હતી. આ તમામ સિંહોની હિંસક હુમલાનાં બનાવો બન્યા હતાં. માનવ અને સિંહ વચ્ચે સંઘર્ષ સતત વધવાનાં બનાવો વધી રહયા છે. ત્યારે એક સર્વે અનુસાર સિંહોનાં હુમલા પાછળ કેટલાક કારણો પણ જવાબદાર છે તેમાં ગીરમાં વસ્તી વધતા સિંહોનું રેવન્યુ વિસ્તારમાં આવવાનું બને છે.
આ ઉપરાંત ગેરકાયદેસર સિંહ દર્શન અને પજવણી થતી હોવાનાં પણ બનાવો બન્યા છે. અતિશય ગરમી અને પ્રકૃતિમાં થતા ફેરફાર તેમજ સિંહોનાં પરંપરાગત કોરીડોરમાં માનવીય દખલ થવાનાં કારણે પણ આવા બનાવો બનતા હોવાનું સામે આવ્યું છે. ચોમાસાનાં આ દિવસોએ સિંહોનો મેટીંગ પીરીયડ હોય છે. અને આ સમયગાળામાં સિંહની નજીક જાવુ ખતરાથી ખાલી રહેતું નથી. વર્ષ ર૦ર૦માં સિંહોની વસ્તી ગણતરીમાં ૬૭૪ સિંહ નોંધાયા હતાં. જયારે વર્ષ ર૦રપમાં તેમાં ૩ર ટકાનો વધારો થતાં ૮૯૧ સિંહોની વસ્તી નોંધાયેલી છે. દરમ્યાન સિંહોનાં હુમલાનાં બનાવ અટકાવવા માટે વન વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આમ જનતાને પણ વન વિભાગની સુચનાઓનું પાલન કરવા તેમજ કુદરત અને વન્ય જીવોની સંરક્ષણ કરવાની અપીલ સાથે સાવચેતી જાળવવા અનુરોધ કરવામાં આવેલ છે.


