ગિરનારની ઐતિહાસિક દૂધધારા પરિક્રમા ભક્તિમય માહોલ વચ્ચે યોજાઈ
કરમણ ભગતની જગ્યાએથી નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને શિવભક્તો જાેડાયા; ભવનાથ મહાદેવ અને દૂધવન મંદિરે દૂધાભિષેક કરાયો
જૂનાગઢ, તા.10
ગરવા ગિરનાર ખાતે છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી આવતી ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી દૂધધારા પરિક્રમાનો આ વર્ષે પણ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે આજરોજ વહેલી સવારે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગિરનારની સનાતન પરંપરાને જીવંત રાખતી આ પરિક્રમામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં સંતો-મહંતો, સાધુ-સંતો, મહામંડલેશ્વરો અને હજારો શિવભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ગિરનારની તળેટી "હર હર મહાદેવ", "બમ બમ ભોલે" અને "જય ગિરનારી"ના જયઘોષથી ગુંજી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પરંપરા મુજબ દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કરમણ ભગતની જગ્યાએથી કરવામાં આવ્યો હતો. આ તકે સાધુ-સંતો તેમજ કરમણ ભગત અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, યોગીભાઈ પઢીયાર સહિતના આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન, આરતી અને ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ પરિક્રમા આગળ વધી હતી. પ્રારંભિક તબક્કામાં ગિરનારના પ્રથમ 30 પગથિયાં પાસે ભગવાન શિવને દૂધધારા દ્વારા વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો.
આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ત્યારબાદ દૂધધારા વાડી સાથે પરિક્રમા ભવનાથ મહાદેવ મંદિર પહોંચી હતી. અહીં ભગવાન ભવનાથ મહાદેવને દૂધ, જળ, બિલ્વપત્ર અને પુષ્પોથી વિશેષ દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. સંતો-મહંતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દેશની સમૃદ્ધિ, વિશ્વશાંતિ, સારા વરસાદ, ગૌસંરક્ષણ, પર્યાવરણની રક્ષા અને સર્વજન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ભવનાથ મંદિર પરિસર ભજન-કીર્તન અને શિવભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
ત્યારબાદ યાત્રા દૂધવન મંદિર તરફ આગળ વધી હતી. દૂધવન મંદિરે પણ ભગવાનને દૂધધારા સાથે ભવ્ય દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી શિવભક્તિનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં ભજન-કીર્તન, શિવમહિમાનું ગાન અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વાતાવરણમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.
દૂધવન મંદિર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ દૂધધારા પરિક્રમા ઈટવા ગેટ માર્ગે પોતાના નિર્ધારિત રૂટ પર રવાના થઈ હતી.
સમગ્ર માર્ગ દરમ્યાન યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. અનેક સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું શુદ્ધ પાણી, ચા, નાસ્તો, પ્રસાદ તેમજ અન્ય જરૂરી સેવાઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
યાત્રા દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ તથા સ્વયંસેવકો તૈનાત રહી યાત્રાળુઓને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા હતા, જેથી પરિક્રમા કોઈપણ પ્રકારની અવ્યવસ્થા વિના શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે આગળ વધી શકે. ઉપરાંત વન વિભાગે પણ સમગ્ર યાત્રા દરમ્યાન ખડે પગે ફરજ બજાવી હતી.


