ગીર મધ્ય જંગલમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર શ્રાવણ માસમાં ખુલ્લું રહેશે

ગીર મધ્ય જંગલમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર શ્રાવણ માસમાં ખુલ્લું રહેશે

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૧૧
ગીરગઢડા તાલુકાના બાબરીયા ગામથી ૭ કિલોમીટર દૂર મધ્યગીરમાં આવેલ વરસો જુનું પ્રાચિન પાતાળેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે જે મીની કેદારનાથ મંદિર સમુ છે. દર વર્ષે મહાશિવરાત્રીના આઠ દિવસ અને શ્રાવણ માસના ત્રીસ દિવસ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે.
આગામી શ્રાવણ માસ તા.૧૩/૮/૨૬ ને ગુરૂવાર થી તા.૧૧/૯/૨૬ શુક્રવાર સુધી સવારે સૂર્યદયથી સૂર્યાસ્ત સુધી બાબરીયા વન વિભાગની કચેરીએથી વિનામૂલ્યે પરમીટ આપવામાં આવશે. ભાવિકજનો પાતાળેશ્વર મહાદેવ મંદિર જઈ અભિષેક, બિલ્વ પૂજા, રૂદ્રાભિષેક કરી શિવઆરાધના કરશે.  શ્રવણ માસમાં આવતા ભાવિક ભક્તજનો માટે બાબરીયા ગામમાં આવેલ પાતાળેશ્વર આશ્રમમાં ચા, દુધ, પાણી અને મહાપ્રસાદ વિનામૂલ્યે આપવામાં આવશે તેમ ઉદાસીન આશ્રમના મહંત શ્રી, ધરમદાસ ગુરૂ નિર્વાણદાસ બાપુએ જણાવેલ છે.