જૂનાગઢનાં ગ્રોફેડ નજીક મોડીરાત્રે સિંહ પરીવારે પશુનું મારણ કરી મીજબાની માણી
10 સિંહ બાળ, ત્રણ સિંહણોનાં ધામા : વનવિભાગને જાણ થતાં તાત્કાલીક કાર્યવાહી કરી સિંહ પરીવારને સુરક્ષિત સ્થળે ખસેડાયો
જૂનાગઢ તા. 20
જૂનાગઢ સહિત આસપાસનાં વિસ્તારોમાં જંગલના રાજા સિંહ અને સિંહ પરીવાર લટાર મારવા નીકળતા હોવાનાં બનાવોમાં વધુ એક બનાવ ગઈકાલે મોડીરાત્રે બનવા પામેલ છે. જૂનાગઢ શહેરનાં ગ્રોફેડ વિસ્તારમાં એક ધામિર્ક જગ્યા નજીક અચાનક સિંહ બાળ, સિંહણ સહિતનો 13 જેટલો સિંહ પરીવાર આવી ચડયો હતો અને પશુઓનું મારણ કરી મીજબાની કરી હોવાનાં બનાવને પગલે લોકોમાં ભયની લાગણી ઉઠવા પામી હતી. દરમ્યાન આ બનાવ અંગે વન વિભાગને જાણ થતાં વનવિભાગનો કાફલો બનાવનાં સ્થળે દોડી ગયો હતો અને સિંહ પરીવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
મળતી વિગત અનુસાર ગઈકાલે મોડીરાત્રીનાં ગ્રોફેડ પાસે આવેલી એક ધામિર્ક જગ્યા નજીક સિંહ પરીવારનું ટોળુ આવી ગયું હતંુ જયાં પશુઓનું મારણ કરી મીજબાની માણી હતી. સિંહ પરીવારમાં 10 સિંહ બાળ અને ત્રણ સિંહણનો સમાવેશ થતો હતો. દરમ્યાન વન વિભાગને આ ઘટના અંગેની જાણ થતાં બનાવનાં સ્થળે વન વિભાગનો કાફલો પહોંચ્યો હતો અને તાત્કાલીક અસરથી આ સિંહ પરીવારને સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. એક તરફ જુદા જુદા વિસ્તારોમાં આવી ચડતા સિંહ તેમજ તેમના પરીવારને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાય છે તો બીજી તરફ જૂનાગઢ વિસ્તારમાં અવારનવાર લટાર દેતા સિંહ પરીવાર સુરક્ષિત અને તેમને કોઈ બિમારી લાગુ નથી પડી તેને લઈને સિંહ પ્રેમીઓમાં આનંદની લાગણી પણ જાેવા મળી રહી છે. દરમ્યાન આ ઘટનાની વધુ વિગત મેળવાઈ રહી છે.


