જૂનાગઢનાં જવાહર રોડ પર ગટરનાં ગંદા પાણીની રેલમછેલ : રહેવાસીઓ ત્રાહીમામ
ગટરની લાઈન, પાણીની લાઈન પણ તુટી ગઈ છે : પાણીનું વિતરણ થતું નથી : લોકોને ભારે મુશ્કેલી : કોર્પોરેશનનાં કમિશ્નરથી લઈ પદાધિકારીઓને રજુઆતો કરવા છતાં પરિસ્થિતિ યથાવત
જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર રસ્તા બનાવવા માટે એક માસ પહેલા રોડ ખોદી નાખવામાં આવેલ પરંતુ ત્યારબાદ હજુ સુધી કામગીરી ન થતાં આ વિસ્તારનાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. એટલું જ નહી ગટર અને પાણીની લાઈનો પણ તુટી જવાનાં કારણે આ વિસ્તારમાં ગંદા પાણીની રેલમછેલ થઈ છે અને રોગચાળાનો પણ ખતરો ઉભો થયો છે. તંત્રને આ બાબતે રજુઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. અને જાે આ અંગે ઘટતી કાર્યવાહી કરવામાં નહી આવે તો કાળવા ચોક ખાતે ચકકાજામનો કાર્યક્રમ કરવામાં આવે તેવી ચીમકી આપવામાં આવી છે.
જૂનાગઢનાં જવાહર રોડ પર સ્વામિનારાયણ મંદિરથી સેજની ટાંકી સુધીનો રોડ બનાવવાની કામગીરી સબબ એક માસ પહેલા આ રોડ તોડી નાખવામાં આવ્યો હતો. અને આ વિસ્તારનાં લોકોને એવી આશા બંધાણી હતી કે હાશ અમારા વિસ્તારમાં સારા રસ્તા તો બનશે. પરંતુ આ આશા ઉપર પાણી ફરી વળ્યું છે. હજુ સુધી આગળની કોઈ કામગીરી ન થતાં તેમજ સુપરવીઝન વિના થયેલી કામગીરીને કારણે ગટરનું ગંદુ પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળે છે. પીવાના પાણીનું પણ વિતરણ થતું નથી. આ વિસ્તારનાં લોકોએ અનેકવાર રજુઆત કરી હતી. પરંતુ મનપા તેમજ અન્ય વિભાગનાં અધિકારીઓ એકબીજાને હવાલો સોંપી દે છે અને કામ થતુ નથી. આ વિસ્તારમાં દવાખાનું આવેલ છે પણ ખરાબ રસ્તાનાં કારણે તેમજ ગટરનાં ગંદા પાણીની રેલમછેલ હોવાથી કલીનીક સુધી જવાતું નથી. અને ડોકટરે બહાર બજારનાં ઓટલા ઉપર બેસી અને દર્દીઓને તપાસી અને સારવાર કરવી પડે છે. ઈમરજન્સીનાં સમયમાં પણ ૧૦૮ જેવી સેવા પ્રવેશી ન શકે તેવી આ રસ્તાની હાલત છે. કોર્પોરેટરથી લઈ અને કમિશ્નર સુધી રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગઈકાલે આ વિસ્તારનાં રહેવાસીઓ, વેપારીઓ તેમજ અગ્રણીઓએ હલાબોલ બોલાવ્યો હતો અને તાત્કાલીક અસરથી રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી લાગણી વ્યકત કરવામાં આવી છે. દરમ્યાન તંત્ર એવો જવાબ આપે છે કે પાણીની પાઈપ લાઈન તેમજ ગટરની લાઈન ડેમેજ થઈ છે. અને જેના માટે આગળની કાર્યવાહી કરવાની છે. અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઈન છે તેમાંથી કનેકશન આપવાના બાકી છે. તેમજ પીજીવીસીએલની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. જયારે પીજીવીસીએલ અને ગટરની લાઈન ક્રોસ થાય છે ત્યાં સલામતી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ટુંક સમયમાં કામગીરી પૂર્ણ થશે તેવા આશ્વાસન આપવામાં આવે છે પરંતુ આ રસ્તાની કામગીરી હજુ સુધી આગળ વધી નથી. અને માથે ચોમાસુ ગાજી રહયું છે ત્યારે ચોમાસાનાં દિવસોમાં અહીંના રહેવાસીઓની હાલત કેવી થાય તેની કલ્પના કરવી તે પણ ધ્રુજાવી જાય છે. તાત્કાલીક અસરથી આ વિસ્તારનાં લોકોની વ્યથાનું નિરાકરણ આવે તેવી લાગણી રહેવાસીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે.



