જૂનાગઢમાં નવનિયુક્ત પંચાયત પદાધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ

મંત્રીઓએ આપ્યું સુશાસન અને લોકસેવાનું માર્ગદર્શન

જૂનાગઢમાં નવનિયુક્ત પંચાયત પદાધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ

જૂનાગઢ, તા. 30
જૂનાગઢના શશીકુંજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ તથા સભ્યો માટે જિલ્લા કક્ષાનો એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી તથા સહપ્રભારી મંત્રી કૌશિક વેકરીયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મળેલી જીત માત્ર પદ પ્રાપ્ત કરવાનો પ્રસંગ નથી, પરંતુ તે લોકોના વિશ્વાસ, આશા અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "સત્તા ભોગવવાનું સાધન નથી, પરંતુ જનસેવાનું શક્તિશાળી માધ્યમ છે." આગામી પાંચ વર્ષ દરમિયાન પારદર્શિતા, સમર્પણ અને સેવા ભાવનાથી લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની અપીલ પણ તેમણે કરી હતી.
તેમણે જણાવ્યું કે આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવનિયુક્ત પદાધિકારીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વહીવટી પ્રક્રિયાઓ, નીતિ-નિયમો અને તેના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપવાનો છે, જેથી સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકે.
ડૉ. વાજાએ મહાત્મા ગાંધીજીના પંચાયતી રાજના સ્વપ્નનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ 'સ્વરાજ્ય'થી 'સુરાજ્ય' તરફ આગળ વધી રહ્યો છે. વિકસિત ભારત–2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે ગ્રામ્ય વિકાસ, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છતા અભિયાન અને સમરસ પંચાયત જેવી યોજનાઓ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં ગામડાં અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે પદાધિકારીઓને લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓ સાંભળવા, ઝડપી ઉકેલ લાવવા અને લોકકેન્દ્રિત શાસનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી. તેમણે આપત્તિના સમયમાં સેવાભાવી અભિગમ અપનાવવાની અને સત્તાને જવાબદારી તરીકે સ્વીકારી કાર્ય કરવાની પણ સલાહ આપી હતી.
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીએ જણાવ્યું હતું કે જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને માત્ર હોદ્દો જ નહીં, પરંતુ વિકાસ, પારદર્શિતા અને લોકહિત માટેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. પંચાયતી રાજની ભાવનાને જાળવી રાખી તાલુકા અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સૌએ મળીને કાર્ય કરવું જરૂરી છે.
'રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન' અંતર્ગત આયોજિત આ તાલીમ કાર્યક્રમમાં ધારાસભ્યો સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા અને અરવિંદભાઈ લાડાણી, કલેક્ટર યોગેશ ચૌધરી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડીઆરડીએ નિયામક પી. એ. જાડેજાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ શશીકુંજ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના નિયામક જિજ્ઞા દલાલે વ્યક્ત કરી હતી.