જૂનાગઢમાં પરશુરામ જયંતિની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા યોજાઈ

પરશુરામ ધામ ખાતે 111 કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞ સાથે વિશ્વ શાંતિની કામના કરાઈ

જૂનાગઢમાં પરશુરામ જયંતિની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા યોજાઈ

જૂનાગઢ તા. ર૦
બ્રહ્મસમાજના ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીનાં પ્રાગટય મહોત્સવની ગઈકાલે સર્વત્ર ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. ઉપરાંત પરશુરામ ધામ ખાતે 111 કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞનો કાર્યક્રમ ભાવપુર્ણ યોજાયો હતો. જેમાં બ્રહ્મસમાજનાં પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદબાપુનાં માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મસમાજ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે અક્ષય તૃતીયાનાં દિવસે જૂનાગઢ નજીક આવેલ ઈવનગરથી બે કિ.મી. દુર સાસણ રોડ ખાતે આવેલ પરશુરામ ધામ ખાતે 111 કુંડી વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો હતો. 11 વિધ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોથી ઋચાનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ આ ધર્મોત્સવમાં ઉપસ્થિત સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. બ્રહ્મસમાજનાં પરિવારજનો બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા. પરશુરામ જયંતિની ઉજવણી અંતર્ગત જૂનાગઢનાં મુખ્ય માર્ગો ઉપર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ડી.જે. સાથે નીકળેલી શોભાયાત્રામાં હજારો બાઈક, વાહનો જાેડાયા હતા. શહેરનાં મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ આ શોભાયાત્રા પરશુરામ ધામ ખાતે વાજતે ગાજતે પહોંચી હતી. જયાં ભગવાન પરશુરામજીની મહાઆરતી, સમુહપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભગવાન પરશુરામજીનાં પ્રાગટય દિનની જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને જય પરશુરામનો જયઘોષ સર્વત્ર ગુંજી ઉઠયો હતો.