જૂનાગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાપર્ણ
નવીનીકરણ પામેલા સરોવરના અંદરના રૂટનું મુખ્યમંત્રીએ ગોલ્ફ કારમાં બેસીને નિરીક્ષણ કર્યું
જૂનાગઢ તા.28
જૂનાગઢ શહેરની શાન સમા નરસિંહ મહેતા સરોવરનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાપર્ણ કરવામાં આવતા નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના નવલા નજરાણાની ભેટ આજે જૂનાગઢને આપવામાં આવી હતી.
બપોરના ૪ વાગ્યે પીટીસી પરેડ ગ્રાઉન્ડ હેલીપેડ ખાતે મુખ્યમંત્રી આવી પહોંચતા તેઓનું શાનદાર સ્વાગત ઉપસ્થિત પદાધીકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરસિંહ સરોવરના શહીદ સ્મારક ખાતે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરના લોકાપર્ણ તેમજ મનપાના ફાયર સેફટીના વાહનોનું પણ મુખ્યમંત્રીએ લોકાપર્ણ કરી અને લીલી ઝંડી આપવામાં આવી હતી. નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરના અંદરના રૂટનું ગોલ્ફ કારમાં બેસીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નીરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ કૃષી યુનિવર્સિટી ખાતે જવા રવાના થયા હતા. જૂનાગઢ કૃષી યુનિવર્સિટી ખાતે એક ગૌરવપુર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર અને જીલ્લાના વિવીધ જનસુખાકારી અને વિકાસકાર્યોના ર૬ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું આ તકે મુખ્યમંત્રીએ સભાને સંબોધન પણ કર્યુ હતું. સરકારની વિવિધ યોજના તેમજ જૂનાગઢના શહેરીજનો માટેની વિશેષ યોજના લાભો તેમજ આગામી સમયમાં સરકાર દ્વારા ફાળવવામાં આવનાર વિકાસ સહીતની ગ્રાન્ટોની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ જૂનાગઢની સ્વછતા અને રોડ રસ્તાને લઈને ટકોર કરી હતી. ફેરિયાઓ માટે સ્થળ નક્કી કરી સ્ટોલ ફાળવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કુલ રૂા. ર૧પ.૬પ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કર્યુ હતું. આજે યોજાયેલા કાર્યક્રમાં જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર, મનપા તંત્રના અધિકારીઓ પદાધીકારીઓ, ધારાસભ્ય, સંસદસભ્ય તેમજ વિવીધ ક્ષેત્રના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


