જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ભીમ અગીયારસની ઉજવણી
કેરીની સિઝન માટેનું છેલ્લું પર્વ- સેવાભાવી સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ દ્વારા કેરીનું વિતરણ - ઠેર-ઠેર પરિવારોમાં રસપુરીનાં જમણ -નિર્જરા એકાદશીનાં વ્રત સાથે દાન-પુણ્ય અને ધાર્મિક કાર્યો યોજાયા
જૂનાગઢ તા. 25
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે ભીમ અગીયારસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેરીની સીઝન માટેના છેલ્લા પર્વ ગણાતા આજનાં દિવસે સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ દ્વારા આમ્રફળ એટલે કેરીનું વિતરણ કરવામાં આવી સેવા કાર્યો કરવામાં આવી રહયા છે. જયારે ઘરે ઘરે રસ પુરીનાં જમણનાં કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. જેઠ સુદ-11નો દિવસ એટલે ભીમ અગીયારસનો તહેવાર અને સાથેજ નિર્જરા એકાદશીનું પર્વ છે. જેનું ધાર્મિક રીતે પણ અનેકગણું મહત્વ રહેલું છે. આજે ભાવિકો દ્વારા વ્રત ઉપવાસ અને એકટાણા સાથે ધાર્મિક કાર્યો પણ ભાવપુર્વક કરવામાં આવી રહયા છે.
આજે જેઠ સુદ અગીયારસ ને ગુરૂવારનાં તા.25-6-26ના દિવસે ભીમ અગીયારસનું પર્વ છે. આ દિવસે ગાયત્રી જયંતિ પણ છે. આજે સવારનાં 10.54 સુધી શિવયોગ હોય જે પૂજા અને ઉપાસના માટેનું શ્રેષ્ઠ યોગ હોય અનેક ધાર્મિક કાર્યો યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને ભીમ અગીયારસનાં પર્વે વિધી અને નિયમ પ્રમાણે રહેવાસી આખા વર્ષની એકાદશી રહયાનું ફળ પણ પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીનું વ્રત રહેવાથી જીવનમાં કોઈપણ મુસીબત આવતી નથી. ભીમ અગીયારસનુેં વ્રત રહેવાથી આખા વર્ષની એકાદશીનું ફળ પણ મળે છે. આજે ભીમ અગીયારસના દિવસે ગરીબો અને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવી ઉત્તમ ફળદાયક છે. આજનાં દિવસે પાણી ભરેલા ઘડાનું દાન દેવું પણ શ્રેષ્ઠ મનાય છે. આજના દિવસે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રની 11 માળા શ્રીકૃષ્ણ ભગવાનની સામે બેસી કરવાથી માનસીક શાંતિ મળે છે અને દુ:ખ દુર થાય છે.
દરમ્યાન ચાલુ વર્ષે કેરીની સીઝન પુરી થવામાં છે અને કેરીની મોસમનાં છેલ્લા પર્વે એવા ભીમ અગીયારસનાં દિવસે આજે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરના શહેરોમાં કેરીની માંગ રહી છે. લોકો આજનાં દિવસે કેરીની વિશેષ ખરીદી કરતા હોય કેરીના વેચાણ કેન્દ્રો ઉપર ગઈકાલથી જ કેરીના બોકસની ખરીદી રહી હતી અને આજના દિવસે પણ કેરીની પુષ્કળ ખરીદી કરવામાં આવી હતી.
આપણા જીવનમાં તહેવારોનું આગવું અને અનેરૂં મહત્વ રહેલું છે. ત્યારે લોકો દરેક તહેવારોની ઉજવણી ખાસ કરીને સૌરાષ્ટ્રભરનાં લોકો હટકે કરતા રહયા છે. મોંઘવારીનાં આજના યુગમાં પણ તહેવારો ઉત્સાહભેર યોજાતા રહયા છે. આજે પણ ભીમ અગીયારસ પર્વની ઉજવણી સર્વત્ર થઈ રહી છે. ધાર્મિક સ્થળોએ ભીમ અગીયારસ તેમજ નિર્મળા એકાદશી નિમીત્તે વિશેષ પૂજા સાથેનાં ધાર્મિક કાર્યો યોજવામાં આવ્યા હતા. જયારે પરિવારોમાં રસ પુરીનાં જમણનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહયા છે. જરૂરીયાતમંદ અને ગરીબ વર્ગ તહેવારોની ઉજવણીમાં સહભાગી થઈ શકે તે માટે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની સેવાભાવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ અન્નદાન, પુણ્ય અને ધાર્મિક કાર્યક્રમોની સાથે જરૂરીયાતમંદોને કેરીના વિતરણના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ભીમ અગીયારસ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.


