જરૂરી ન હોય તો સોનાની ખરીદી ટાળો : વડાપ્રધાનની દેશવાસીઓને અપીલ
વર્તમાન વૈશ્વિક સંકટના સમયમાં ભારત દ્વારા ૭.૮ ટકા આર્થિક વૃધ્ધિદર હાંસલ કરવા સબબ વડાપ્રધાન મોદીએ અભીનંદન પાઠવ્યા
નવી દિલ્હી તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૭.૮ ટકા આર્થિક વૃદ્ધિને લઈને દેશવાસીઓને અભિનંદન પાઠવતાં તેમણે કહ્યું કે આ સિદ્ધિ દેશવાસીઓની ઈચ્છાશક્તિ, મહેનત અને સામૂહિક તાકાતનું પરિણામ છે.
વડાપ્રધાને આજે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને આ વાત કહી. પીએમએ ફરીથી લોકોને સોનાની ખરીદીને લઈને અપીલ કરી.
તેમણે કહ્યું, ‘જો જરૂર ન હોય તો સોનું ખરીદવું ન જોઈએ.’ આવી જ અપીલ ૧૧ મેના રોજ કરવામાં આવી હતી.
પીએમ મોદીએ કહ્યું- દેશની અંદર પણ કેટલાક લોકો નિરાશા ફેલાવવા અને જૂઠના સહારે માહોલ ખરાબ કરવામાં લાગેલા છે. આ તમામ પડકારોને પાર કરીને ભારતે ૭.૮ ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. દેશે આ જ ગતિ જાળવી રાખવી પડશે અને આગળ પણ ઝડપથી વિકાસ કરવો પડશે.
તેમણે કહ્યું કે, વિદેશમાં ફરવા માટે યાત્રાઓ કરવા અને વિદેશમાં લગ્ન કરવાથી બચવું જોઈએ. લોકોએ મેક ઇન ઇન્ડિયાના મંત્ર સાથે આગળ વધવું જોઈએ. જો જરૂર ન હોય તો સોનું ન ખરીદવું જોઈએ. દેશમાં જેટલો વધુ સ્વદેશી અને આર્ત્મનિભરતા પર ભાર મૂકવામાં આવશે, તેટલી જ મજબૂતીથી ભારત આગળ વધશે.
વડાપ્રધાને કહ્યું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે જ્યારે ભારત પોતાની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરશે, ત્યારે દેશની યુવા પેઢીને એક વિકસિત ભારત સોંપવામાં આવશે.


