તાલાલા રોડ પર સિંહ પરિવારના દિવસના આંટાફેરા બે સિંહણ અને એક સિંહબાળ મોબાઈલમાં કેદ
(પ્રતિનિધિ દ્વારા)
ગીર-સોમનાથ તા.25
તાલાલા તાલુકાના લીમધ્રાથી વલાદર ગામ તરફ જતા રોડ પર દિવસ દરમિયાન સિંહ પરિવારના આંટાફેરા જોવા મળ્યા હતા. આ સિંહ પરિવારમાં બે પુખ્ત સિંહણ અને એક સિંહબાળનો સમાવેશ થતો હતો, જેમને સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ ઘટના રોડ પાસે આવેલા ખેડૂત હજાભાઈ મોઠાભાઈના ખેતર નજીક બની હતી. સિંહો સાત ફૂટ ઊંચો વંડો ઠેકતા જોવા મળ્યા હતા. દ્રશ્યોમાં સિંહણો સિંહબાળને ઊંચાઈવાળી દીવાલ ઠેકવાનું શીખવી રહી હોય તેવું લાગતું હતું, જે સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન જાવંત્રી, વડાળા, લીમધ્રા, વલાદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો દિવસ દરમિયાન પણ વધુ જોવા મળે છે. જંગલ વિસ્તારમાં કાદવ-કીચડ અને મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે સિંહો ખુલ્લા વિસ્તારોમાં વધુ વિચરણ કરતા હોય છે. જાવંત્રીના સરપંચ અલ્તાફ બ્લોચે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના ગામડાઓમાં સિંહો દિવસ દરમિયાન પણ જોવા મળતા હોય છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સિંહોથી સલામત અંતર જાળવી રાખે છે અને તેમને ખલેલ પહોંચાડ્યા વિના આરામથી જોઈ લે છે.


