થાઈલેન્ડ ખાતે રમાઈ રહેલી ગીર સોમનાથની વોલીબોલ ગર્લ રાજલ વાળા આંતરરાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ સંભાળી જીલ્લાનું ગૌરવ વધાર્યું
ખ્યાતનામ વોલીબોલ ગામ તરીકે પ્રખ્યાત સરખડીની વધુ એક દીકરીએ આંતરરાષ્ટ્રીય રમતમાં પોતાનું કાઠું કાઢ્યું
વેરાવળ, તા.16
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ખેલને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. વર્ષ 2028માં અમદાવાદ ખાતે એશિયન ગેમ્સ અને વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સ રમાય તે માટે ભારતદેશે સક્રિય દાવેદારી નોંધાવેલી છે અને સંભવત: આ રમતો ભારતમાં રમાશે. જેના કારણે દેશમાં રમતનો માહોલ ઉભો થવાનો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ તેને ધ્યાનમાં રાખીને મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે.
ભારત દેશમાં જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટેનો માહોલ બની રહ્યો હોય. ત્યારે, ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાનું સરખડી ગામ જે વોલીબોલમાં અનેક ખેલાડીઓ આપી ચૂક્યું છે. તેની ઓળખ ‘વોલીબોલ વિલેજ’ તરીકેની થઈ ગઈ છે. આ જ ગામની 16 વર્ષની વધુ એક ખેલાડી શ્રી રાજલબહેન વાળાએ તાજેતરમાં થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે તા. 1 થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાયેલ 16 મી એ.વી.સી એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજલબહેને નાની ઉંમરમાં ન માત્ર ભારતીય મહિલા વોલીબોલ ટીમમાં સામેલ થયા હતાં પરંતુ તેમણે ભારતીય ટીમનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. રાજલબહેન વાળાની કેપ્ટનશીપમાં ભારતીય વોલીબોલ ટીમે કોરિયા, ચાઈનીઝ તાઈપેઈ, વિયેતનામ જેવી એશિયાની સૌથી મજબૂત યુવા વોલીબોલ ટીમો સામે બાથ ભીડી હતી. રાજલબહેન રાજ્યકક્ષાએ છ મેડલ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે મેડલ, ખેલો ઈન્ડિયામાં બ્રોન્ઝ અને બે સિલ્વર મેડલ મેળવી ચૂક્યા છે. રાજલબહેને નાનપણથી જ પોતાના ગામમાં વોલીબોલના જાણિતા કોચ વરજાંગભાઈ વાળાના માર્ગદર્શનમાં અન્ય દીકરીઓ વોલીબોલમાં જે રીતે રમત રમી રહી હતી, તે જાેઈને રમવાનું શરુ કર્યું હતું. તેમના પિતા પ્રતાપભાઈ વાળા કે જેઓ ભારતીય લશ્કરમાં સેવા બજાવી ચૂક્યાં છે. તેમણે પણ રાજલબહેનને વોલીબોલની રમતમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જેના કારણે રાજલબહેન આજે ભારતીય વોલીબોલ ટીમના કપ્તાન બનીને રમી રહ્યાં છે.
આ માટે રાજલબહેન વાળાએ વોલીબોલ માટે રાજલબહેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નડિયાદ સ્થિત હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં સઘન તાલીમ મેળવી હતી. આંતરરાષ્ટ્રીય મંચ પર ગીર સોમનાથ જિલ્લાનું ભારતીય વૉલીબોલમાં ખાસ્સું પ્રભુત્વ રહ્યું છે. આ અગાઉ, સરખડી ગામના કિંજલવાળા અને ચેતનાવાળા પણ ભારતીય મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન રહી ચૂક્યાં છે. આ રીતે ખ્યાતનામ વોલીબોલ ગામ તરીકે પ્રખ્યાત સરખડીની વધુ એક દીકરીએ આંતરરાષ્ટ્રીય રમતમાં પોતાનું કાઠું કાઢી ગીર સોમનાથ જિલ્લા સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે.


