દેવભૂમિ દ્વારકામાં વરસાદની ખેંચથી પશુપાલકો મુશ્કેલીમાં, ઘાસચારાનું વિતરણ શરૂ

ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે ઘાસચારા વિતરણનો પ્રારંભ : પશુ દીઠ રોજ ૪ કિલો ઘાસ, ૧૫ દિવસનો જથ્થો અપાશે

દેવભૂમિ દ્વારકામાં વરસાદની ખેંચથી પશુપાલકો મુશ્કેલીમાં, ઘાસચારાનું વિતરણ શરૂ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૦
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછત અને અનિયમિતતાના કારણે ખેતીની સાથે પશુપાલન વ્યવસાય પર પણ સંકટ ઊભું થયું છે. પશુપાલકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર દ્વારા પશુધન માટે ઘાસચારા વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. દ્વારકા તાલુકામાં ઘાસચારા વિતરણની શરૂઆત ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીડીઓ વિક્રમ ઓડેદરા, મામલતદાર અનીલ ભેડા, નાયબ મામલતદાર મયુરધ્વજસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કિસ્સા હેઠળ ઓખામંડળ તાલુકાના પશુપાલકોને અગ્રતા આપી ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ પશુ દીઠ દરરોજ ૪ કિલો ઘાસની ફાળવણી કરવામાં આવી છે. પશુપાલકોને વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે હાલ ૧૫ દિવસનો જથ્થો એકસાથે વિતરણ કરવાનો ર્નિણય લેવાયો છે. બીજી તરફ, સમયસર અને પૂરતો વરસાદ નહીં પડતાં ખેડૂતો તથા પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતીના પાકની સાથે પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા અંગે પણ ચિંતા વધી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો અને પશુપાલકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા તાત્કાલિક વધુ રાહતલક્ષી પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.