નંદનવન રોડ મઢુલી વિસ્તારમાં રસ્તાની કામગીરીમાં ગટર તથા પાણીની પાઈપલાઈનો તોડી નખાતા લોકો પરેશાન
જૂનાગઢ તા. ર૦
જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર રસ્તાની તથા અન્ય કામગીરી માટે છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તા ખોદેલા જાેવા મળી રહયા છે. ત્યારે છેલ્લા પંદરેક દિવસથી જૂનાગઢ શહેરમાં નંદનવન રોડ, બાપા સીતારામની મઢુલીની આસપાસની નારાયણનગર, ડીમ્પલ પાર્ક સહીતની સોસાયટીઓમાં જેમાં જૂનાગઢ મનપા દ્વારા સી.સી. રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ તે કામ પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહયું છે. રોડ-રસ્તાના ખોદાણ પછી આ વિસ્તારમાં નવી ગટરની પાઈપલાઈનો ફીટ કરવામાં આવી હતી તે તેમજ નળ કનેકશન પણ તોડી નાખવામાં આવ્યા છે. કેટલાક રહીશોના તો ખાનગી બોરની લાઈનો પણ તોડી નાખવામાં આવતા લોકો પરેશાન થઈ રહયા છે. અને નગરપાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે પાણીનો વારો હોય ત્યારે રોડ રસ્તા પણ બેફામ પીવાના પાણીનું બગાડ થઈ રહયું છે અને લોકો પાણીથી વંચીત રહે છે. કોન્ટ્રાકટર દ્વારા રસ્તાની કામગીરીમાં એક દિવસ કામ થાય અને ત્રણ દિવસ કોઈ કામ કરવા આવતું નથી તેવી પધ્ધતીથી ગોકળ ગાયની ગતિએ કામ થઈ રહયું છે. ત્યારે લોકોને આ રસ્તે ચાલવામાં પણ ખુબજ મુશ્કેલી પડીર હી છે. આ વિસ્તારના કોન્ટ્રાકટર દ્વારા તાત્કાલીક ધોરણે નળ અને ગટરની પાઈપલાઈન રીપેર કરાવી દેવાની હોય છે પરંતુ તે બાબતે પણ કોઈ ધ્યાન દેતું નથી. ત્યારે આ વિસ્તારના ગટરની નવી પાઈપલાઈનો તેમજ નળ કનેકશનની લાઈનો તાત્કાલીક કોન્ટ્રાકટર દ્વારા રીપેર કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.


