પોરબંદર શહેરમાં બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર : ચાર યુવાનોના કરૂણ મોત

પોરબંદર શહેરમાં બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર : ચાર યુવાનોના કરૂણ મોત

પોરબંદર તા. ૬
પોરબંદરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે ૫:૦૦ થી ૫:૪૦ વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર આ ઘટના બની હતી. જેમાં બે મોટરસાયકલ (ય્દ્ઘ ૨૫ છહ્લ ૦૫૩૦ અને ય્ત્ન ૨૫ છઈ ૯૭૭૨) સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. રસ્તા પર કાચ અને બાઇકના પાટ્સ વિખેરાયા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઇ ગયા હતા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનના શ્વાસ થંભી ગયા હતા. જ્યારે અન્ય એક યુવાને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે, રસ્તામાં ખંભાળિયા નજીક તેનું પણ મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જેમાં મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. ૨૬), દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. ૧૮), વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. ૧૭), પિયુષ કિશોરભાઈ લોઢારી (ઉં.વ. ૨૪) (સારવાર માટે હોસ્પિટલ ખસેડતાં રસ્તામાં મોત)નો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં અન્ય એક યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જે હાલ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર હેડળ  છે. ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે. પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.