ભાણવડમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરતા શખ્સ સામે કાર્યવાહી
એસ.ઓ.જી. પોલીસે ગેસ સિલીન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૪
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાંથી એસ.ઓ.જી. પોલીસે એક વેપારી શખ્સને રાંધણ ગેસના સિલિન્ડરમાં અનધિકૃત રીતે ગેસ રીફીલિંગ કરી, વેચાણ કરવા સબબ ધોરણસર કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગઈકાલે બુધવારે સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ અને સુમાતભાઈ ભાટિયાને મળેલી બાતમીના આધારે ભાણવડમાં દરિયા સ્થાન ચોક વિસ્તારમાં રહેતા અને પાન મસાલાની દુકાન ધરાવતા બટુકભાઈ જમનાદાસ ઠકરાર (ઉ.વ. ૫૧) દ્વારા ગેરકાયદેસર રીતે ગેસના ભરેલા બાટલામાંથી અન્ય ખાલી બાટલામાં રિફિલિંગ કરવામાં આવતું હોય, આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના મકાનના ખુલ્લા ફળિયામાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલા બાટલામાંથી ગેસના ખાલી બાટલામાં રિફિલિંગ કરી, તેનું રીતે વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું.
આ સ્થળેથી પોલીસે જુદા જુદા ચાર ગેસ સિલિન્ડર તેમજ રિફિલિંગ કરવા માટેનો સામાન મળી, કુલ રૂ. ૧૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી, આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૨૮૭ તથા વિસ્ફોટક અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી, તેની સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.


