ભવનાથ ડેવલોપમેન્ટ ઓથોરીટીની કયારે રચના થશે ?
જૂનાગઢથી પાંચ કિમીનાં અંતરે આવેલા ભવનાથ ક્ષેત્રનાં સર્વાંગી વિકાસ માટે સરકાર તત્કાલ કાર્યવાહી કરે તેવી માંગણી
જૂનાગઢ તા. ર૭
જૂનાગઢ શહેરથી ફકત પાંચ કિમીનાં અંતરે આવેલ ભવનાથ ક્ષેત્રનાં સર્વાંગી વિકાસ માટેની યોજનાને સાકાર સ્વરૂપ આપવા માટે રાજય સરકાર દ્વારા તત્કાલ કાર્યવાહી કરે એટલું જ નહી આ સાથે જ ભવનાથ ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવાની પણ ખાસ જરૂર છે. આ દિશામાં વહેલી કામગીરી શરૂ થાય તેવી લાગણી ધર્મપ્રેમી જનતા, સંતો અને સનાતનીઓની રહેલી છે. આ સાથે જ ભવનાથ ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કયારે થશે ? તેવો સવાલ પણ ઉઠવા પામેલ છે.
જૂનાગઢ નજીક આવેલ ભવનાથ ક્ષેત્ર કે જયાં પ્રવેશતા જ આધ્યાત્મીક અને પવિત્રતાની સુગંધ ભળે છે એવો ઉંચો ગઢ ગીરનાર અને તેની ગીરીકંદરા, કુદરતી વાતાવરણ ને ઈશ્વર, પરમાત્મા સાથેનો સીધો સંપર્ક થઈ શકે તેવા અદભૂત વાતાવરણની અસર વચ્ચે ભજન, ભોજન અને ભકિતરસનાં ફુવારા છુટે એવા પવિત્ર વાતાવરણનો નશો જ સાચો ભકિતનો રંગ ચડાવે છે. દેશ અને દુનિયાનાં સાધકો સાધના માટે ભવનાથ અને ગીરનાર ક્ષેત્રમાં પધારે છે અને સાધનામાં લીન બને છે. ૩૩ કરોડ દેવતા જતી, સતી, સિધ્ધ સંતોનાં બેસણા અને ચેતન ધુણા આવેલા છે તેવા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવ બીરાજે છે. ઉપરાંત ભગવાન ગુરૂદત્ત દત્તાત્રેય, અંબાજી માતાજીની શકિતપીઠ અને હિમાલયનં દાદા ગણતાતા ગીરનારનું દ્રશ્ય જાેતા જ કોઈ સમાધીસ્થ સંતનો ભાવ વ્યકત કરતું દ્રશ્ય મન મોહી લે છે. અહીં શિવરાત્રીનો મેળો અને પરીક્રમાનો મેળો યોજાય છે. વર્ષમાં યોજાતા આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.
ગીરનારીનો નાદ ગુંજી ઉઠે છે. લાખો લોકોને માટે સદાવ્રત અન્નક્ષેત્ર સંખ્યાબંધ ધમધમવા લાગે છે. અને સેવાભાવીઓ અહીં આવનાર ભાવિકોને પ્રેમથી ભાવતા ભોજનીયા પીરસી પ્રસાદ લેવડાવે છે. તાજેતરમાં ૧૧ ફેબ્રુઆરી થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન શિવરાત્રીનો મેળો ગુજરાત સરકારનાં સીધા માર્ગદર્શન હેઠળ દીવ્યતાથી અને ભવ્યતાથી યોજવામાં આવ્યો હતો અને તેની સર્વત્ર સરાહના કરવામાં આવી હતી. આધ્યાત્મીકતા, પવિત્રતા અને નિજાનંદની મસ્તીમાં લીન બનેલા સિધ્ધ સંતોનાં દર્શન અને પવિત્ર ધર્મસ્થાનો આવેલા છે તેવી પાવનકારી અને પવિત્ર ભૂમિ ઉપર જેમ કોઈની નજર લાગી ગઈ હોય તેમ અવાર નવાર ધાર્મિક લાગણી દુભવવાનાં બની રહેલા બનાવોને પગલે લાખો ભાવિકો, સનાતનીઓની લાગણી દુભાઈ છે. છેલ્લા દોઢ વર્ષનાં સમયગાળામાં અનેક ઘટનાઓ એવી સામે આવી છે કે જેને લઈને આ ધાર્મિક અને પવિત્ર ભૂમિની ગરીમા ઉપર જાેખમની તલવાર લટકી રહી છે. ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં આવેલ ધર્મસ્થાનોમાં અવાર નવાર બનતી ઘટનાઓને પગલે ભાવિકોનો વિશ્વાસ અને શ્રધ્ધાને ભારે ઠેસ પહોંચી છે. પવિત્ર ધર્મસ્થાનો પ્રત્યે આસ્થા અકબંધ છે પરંતુ કેટલાક કથિત મહંત, પુજારીનાં કથિત વ્યવહાર અને કારનામાને લઈને પણ લોકોમાં આવા પાખંડીઓ સામે રોષ પણ વ્યાપેલો છે. ભવનાથમાં આવેલા ધર્મસ્થાનો તેમજ ગીરનાર ક્ષેત્રમાં આવેલ ધાર્મિક જગ્યાઓ પર અવાર નવાર થતી કેટલીક ઘટનાઓને કારણે સકાર પણ ચોંકી ઉઠી છે. અને ત્વરીત કડક કાર્યવાહીનાં આદેશો કરાયા છે.
ભવનાથ અને સમગ્ર ગીરનાર ક્ષેત્રની પવિત્રતા કાયમી જળવાઈ રહે તેમજ લેભાગુ તત્વો તેનો લાભ ઉઠાવી એસોઆરામ અને મોજમજાનું ક્ષેત્ર ન બનાવી દે તેના માટે કડક આક્રમક પગલાની આવશ્યકતા તો છે જ સાથે જ ભવનાથ ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવી પણ અત્યંત આવશ્યક છે. જેમાં સરકારનાં પ્રતિનિધિ ચેરમેન તરીકે, બીન વિવાદાસ્પદ સંતની નિમણુંક તેમજ અન્ય સેવાભાવીઓની નિમણુંક કરી કમીટીની રચના કરવાની માંગણી ઉઠી છે. વિશેષમાં સરકાર દ્વારા ભવનાથ ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવાની થાય તેમાં કોઈ પાંખડીને સ્થાન આપવામાં ન આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.


