ભવનાથ તળેટીમાં દર વર્ષે યોજાતી દૂધધારા પરીક્રમા 10 જુલાઈએ યોજાશે : વધુ ભાવિકોને મંજુરી આપવા રજુઆત
જૂનાગઢ તા.7
ગિરનાર ભવનાથ તળેટીમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાતી પવિત્ર ‘દૂધધારા પરિક્રમા‘ને લઈને સમસ્ત જૂનાગઢ પંથકમાં ભક્તિમય માહોલ જામ્યો છે. આગામી તારીખ 10 જુલાઈ, 2026 (જેઠ વદ અગિયારસ) ના પાવન દિવસે યોજાનારી આ પારંપરિક ધાર્મિક યાત્રા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વન વિભાગ સમક્ષ જરૂરી મંજૂરી મેળવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દર વર્ષે જેઠ વદ અગિયારસના દિવસે સર્વે લોકોની સુખાકારી, સારા વરસાદના વધામણા અને સનાતન સંસ્કૃતિની જાગૃતિ માટે આ આસ્થા રૂપી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ સમગ્ર ૩૬ કિલોમીટરના જંગલ રૂટ પર દૂધની ધારા વહાવતા વહાવતા માર્ગમાં આવતા તમામ દેવાલયોમાં પૂજા-અર્ચના કરે છે. ગિરનારમાં વસતા તમામ અબોલ જીવો, ગૌધનની રક્ષા થાય અને આવનારું વર્ષ ખેડૂતો તેમજ સમગ્ર માનવજાત માટે ફળદાયી નીવડે તેવા શુભ આશય સાથે આ આયોજન થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જાેડાય છે. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ વિભાગીય વન સંરક્ષક અધિકારી જાેશીને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું હતું. વિહીપ દ્વારા વન વિભાગને ખાતરી આપવામાં આવી છે કે પરિક્રમાનું સમગ્ર આયોજન વન વિભાગના તમામ નિયમો અને માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરીને શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રહીને (પ્લાસ્ટિક મુક્ત) જ કરવામાં આવશે. આ રજૂઆત દરમિયાન પરાગભાઈ તન્ના, નથુભાઈ કાંબલિયા, મહેન્દ્ર ગોસાઈ, જીગ્નેશભાઈ બારોટ, જાેગીભાઈ કોટેચા, કિશનભાઈ બુહેચા અને દિનેશભાઈ મકવાણા સહિતના હિન્દુ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદના સેવાપ્રમુખ પરાગ તન્ના એ જણાવ્યું હતું કે, “જેઠ વદ અગિયારસ એટલે કે દૂધધારા પરિક્રમા. આ પરિક્રમા ખાસ તો આગામી વર્ષાઋતુ ખૂબ જ સરસ રીતે પસાર થાય અને ઉત્તમ વરસાદ થાય તે માટેના વધામણા રૂપે કરવામાં આવે છે. આ પરિક્રમાનું પ્રસ્થાન મુખ્યત્વે માલધારી સમાજ અને કરમ ભગત દ્વારા કરવામાં આવે છે, જેમાં સ્થાનિક ઉપરાંત બારગામથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. સનાતન ધર્મને જાગૃત રાખતી આ યાત્રામાં વધુમાં વધુ લોકોને જવાની મંજૂરી મળે તેવી અમારી વન વિભાગને નમ્ર અરજ છે.”
જૂનાગઢ મહાનગર સત્સંગ પ્રમુખ નથુભાઈ કાંબલિયા એ ગિરનારનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે, "ગિરવા ગિરનારની આ પવિત્ર ભૂમિ પર 33 કરોડ દેવતા, 9 નાથ, 84 સિદ્ધ અને 56 જાેગણી બિરાજે છે. તેમની ગોદમાં યોજાતી આ દૂધવન પરિક્રમામાં વધુમાં વધુ સનાતનીઓ જાેડાય તેવી અમારી મુખ્ય આશા છે. આ પરિક્રમામાં ખેતીવાડી અને પશુપાલન સાથે જાેડાયેલા લોકો, ખાસ કરીને માલધારી સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવવા ઈચ્છે છે. તેથી વન વિભાગના અધિકારીઓ આ ધાર્મિક લાગણીને માન આપીને યોગ્ય અને પૂરતી મંજૂરી પ્રદાન કરે એવી અમારી માંગણી છે."


