ભવનાથ તળેટી ખાતે યોજાનારા શિવરાત્રી મેળા માટે એસટી દ્વારા ૩૩૦ એકસ્ટ્રા બસો દોડાવાશે

ભવનાથ જવા માટે ૮પ મીની બસો દોડશે : ટીકીટનો દર રૂા.રપ રહેશે

ભવનાથ તળેટી ખાતે યોજાનારા શિવરાત્રી મેળા માટે એસટી દ્વારા ૩૩૦ એકસ્ટ્રા બસો દોડાવાશે

જૂનાગઢ તા.પ
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી ખાતે આગામી શિવરાત્રી મેળા અંગેની તડામાર તૈયારી ચાલી રહી છે. અહીં આવનારા ભાવિકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન બહારગામથી આવતા ભાવિકો માટે ભવનાથ તળેટી સુધી જવા માટેની બસ સેવા પણ શરૂ કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રી મેળા માટે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવનાર છે.
ભવનાથ તળેટીમાં આગામી ૧૧ તારીખથી શરૂ થઈ રહેલા મહાશિવરાત્રી મેળાને લઈને જૂનાગઢ એસટી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, સાથે બુધવારે સવારે ૯.૩૦ કલાકેથી ભવનાથ માટે એકસ્ટ્રા સંચાલનને લીલી ઝંડી આપીને જૂનાગઢ બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવશે, જયારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જૂનાગઢ આવવા માટે ૧૦ તારીખથી જ એકસ્ટ્રા સંચાલન શરૂ કરવામાં આવશે.
જૂનાગઢ એસટી વિભાગીય નિયામક વી.બી. ડાંગરએ જણાવ્યું કે, જૂનાગઢ આવવા માટે ૪૦૦ જેટલી એકસ્ટ્રા બસ શરૂ કરવામાં આવશે અને જૂનાગઢ બસ સ્ટેશનથી વાઘેશ્વરીધામ પહોંચવા માટે ૮પ મીનીબસનું સંચાલન રૂા.રપ ના ટિકિટનાં દરે શરૂ  કરવામાં આવશે. સાથે જ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા મહાશિવરાત્રી મેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં તા.૧૧ અને બુધવારથી સવારે ૯.૩૦ કલાકે જૂનાગઢ બસ સ્ટેશન ખાતેથી એકસ્ટ્રા સંચાલનને લીલીઝંડી આપવામાં આવશે. મહાશિવરાત્રી મેળાને વિભાગ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એકસ્ટ્રા સંચાલનમાં ૮પ મીની બસોથી કરવામાં આવશે જેમાં ભાડુ રૂા.રપ રાખવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાંથી શિવરાત્રી મેળા માટે યાત્રાળુઓ સરળતાથી જૂનાગઢ આવી શકે તે હેતુથી જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ૩૩૦ મોટી બસો રાજકોટ, જામનગર, અમરેલી સહિતના સ્થળો માટે ૩૩૦ બસો દ્વારા એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. સાથે જ પ૦ બસ રીઝર્વ રાખવામાં આવશે. આ ઉપરાંત વધારે ટ્રાફિક જણાશે તો યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરવામાં આવશે. આમ શિવરાત્રી મેળાને લઈને જૂનાગઢ એસટી વિભાગ દ્વારા બુધવારથી એકસ્ટ્રા સંચાલન શરૂ કરવામાં આવશે.