માંગરોળના ઢેલાણા-લોએજમાં સેવા સેતુ કાર્યક્રમ, 2,650 અરજીઓનો સ્થળ પર જ નિકાલ
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ અને વિવિધ યોજનાઓની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ
જૂનાગઢ, તા. ૨૪
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા અને લોએજ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સ્થળે વિવિધ સરકારી સેવાઓ માટે ગ્રામજનો તરફથી આવેલી કુલ 2,650 જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષના અવસરને કેન્દ્રમાં રાખીને ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા ઢેલાણા ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આશરે 1,550 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે લોએજ ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 1,100 અરજીઓનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આમ બંને ગામમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમો દ્વારા કુલ 2,650 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ માટે અલગ-અલગ કચેરીઓ સુધી જવું ન પડે અને જરૂરી સેવાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમમાં અનેક વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં આવક અને જાતિના પ્રમાણપત્ર, EWS પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર અને ડોમિસાઇલ પ્રમાણપત્ર સહિતની સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રેશનકાર્ડમાં નવું નામ ઉમેરવું, નામ કમી કરવું કે જરૂરી સુધારા કરવા જેવી રેશનકાર્ડ સંબંધિત કામગીરી તેમજ નવું આધારકાર્ડ અને આધારકાર્ડમાં સુધારા માટેની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આયુષ્માન ભારત કાર્ડ, જન્મ, મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો સંબંધિત કામગીરીનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના સહિતની સામાજિક સુરક્ષાની યોજનાઓ ઉપરાંત ખેતીવાડી અને પશુપાલન સહિતના વિવિધ વિભાગોની યોજનાઓ અંગે જરૂરી સેવાઓ અને માર્ગદર્શન પણ એક જ સ્થળેથી પૂરું પાડવામાં આવ્યું હતું.
ઢેલાણા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, નિલેશ સોમૈયા, નરેન્દ્રભાઈ ડોડીયા, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોએજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયતના પ્રમુખ નારણભાઈ વાજા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ નંદાણીયા, ભરતભાઈ ગરચર અને અરજણભાઈ આંત્રોલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બંને ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમોમાં ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો. એક જ સ્થળે અનેક વિભાગોની સેવાઓ ઉપલબ્ધ થવાથી અરજીઓની પ્રક્રિયા અને સ્થળ પર નિકાલ માટે ગ્રામજનોને સુવિધા મળી હતી.


