માંગરોળમાં ભારે વરસાદ દરમ્યાન પશુ ગુમાવનાર પશુપાલકોને સહાયના ચેકનું વિતરણ
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.11
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ગત 1થી 3 જુલાઈ દરમિયાન પડેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે નદી કાંઠા વિસ્તારોમાં અનેક પશુપાલકોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. વરસાદી આફતમાં કેટલાક પશુઓના મોત નિપજતાં અસરગ્રસ્ત પશુપાલકોને રાજ્ય સરકારની સહાય યોજનાના ભાગરૂપે આજે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, તાલુકા વિકાસ અધિકારી મહેશ ચૌહાણ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા તેમજ જિલ્લા પંચાયત સભ્ય ફારૂકભાઈ હકીમની ઉપસ્થિતિમાં લાભાર્થી પશુપાલકોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન મૃત્યુ પામેલા પશુઓની સ્થળ પર ખરાઈ કરવામાં આવી હતી. પશુચિકિત્સક દ્વારા જરૂરી કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ(PM) બાદ સરકારના નિયમો મુજબ તાત્કાલિક ધોરણે સહાય મંજૂર કરવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત પશુપાલકોને ઝડપથી આર્થિક રાહત મળી શકે. આજના કાર્યક્રમ દરમિયાન કુલ 5 જેટલા પશુપાલકોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા વરસાદી આપત્તિમાં નુકસાન ભોગવનાર પશુપાલકોને સમયસર સહાય પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.


