માળીયાહાટીના તાલુકામાં 'પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત 10 દર્દીઓને પોષણ કિટનું વિતરણ

માળીયાહાટીના તાલુકામાં 'પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત 10 દર્દીઓને પોષણ કિટનું વિતરણ

જૂનાગઢ,તા.28
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં સેવાભાવી જાહીદાબેન સમસાની દ્વારા માળીયાહાટીના અને આજુબાજુના 10 ટીબી દર્દીઓને 'નીક્ષય મિત્ર' તરીકે દત્તક લઈ પોષણ કિટનું દાન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા માટે ટીબીના દર્દીઓને નિયમિત દવાઓની સાથે પૌષ્ટિક પોષણની પણ ખાસ જરૂરિયાત રહે છે. જે અન્વયે આજે તાલુકા હેલ્થ ઓફીસ માળીયા ખાતે જિલ્લા ટી.બી અધિકારી ચંદ્રેશ વ્યાસ અને ટીએચઓ દ્વારા માળીયાની સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓને ટીબીના દર્દીઓને પોષણ કિટ પૂરી પાડવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ટી.બી અધિકારી ચંદ્રેશ વ્યાસ, તાલુકા હેલ્થ ઓફિસર માળીયા ડો. એન.જી.ડાભી, જાહીદાબેન સમસાની, આગખાન સંસ્થામાંથી પાર્થિવભાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભંડુરીના મેડિકલ ઓફિસર ડો. સ્વપ્ના ભરડા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેશ કછોટ તથા STS વરૂભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડીટીઓ દ્વારા ટીબીના દર્દીઓને આ રોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન અને સચોટ માહિતી આપવામાં આવી હતી.તેમજ જાહીદાબેન સમસાની દ્વારા ઉપસ્થિત દર્દીઓને પૌષ્ટિક આહારથી સભર પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.