મહારાષ્ટ્રમાં અમરાવતીની સરકારી હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ ફાટી નીકળતા ૩ નવજાત શીશુના મોત

મહારાષ્ટ્રમાં અમરાવતીની સરકારી હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ ફાટી નીકળતા ૩ નવજાત શીશુના મોત

અમરાવતી, તા. ૨૪
મહારાષ્ટ્રનાં અમરાવતી જિલ્લામાં આવેલાં સરકારી મહિલા હોસ્પિટલમાં વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોસ્પિટલનાં નવજાત શિશુ સઘન સંભાળ એકમ (NICU)માં અચાનક વેન્ટિલેટર ફાટવાથી આગ લાગી ગઈ હતી.
આ ભીષણ ઘટનામાં ધુમાડાના કારણે દમ ઘૂંટાવાથી ત્રણ માસૂમ નવજાત બાળકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતાં. આ અકસ્માતને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી થઈ ગઈ હતી અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે એનઆઈસીયુ વોર્ડમાં રાખવામાં આવેલાં એક વેન્ટિલેટરમાં અચાનક જોરદાર ધમાકો થયો હતો. વિસ્ફોટ થતાની સાથે જ વોર્ડમાં ઝડપથી આગ પકડાઈ ગઈ અને જોતજોતામાં ચારેય તરફ ઘાટો ધુમાડો ફેલાઈ ગયો હતો.
ઘટના સમયે સંબંધિત વોર્ડમાં ૧૨ જેટલાં નવજાત શિશુઓની સારવાર ચાલી રહી હતી. આગ અને ધુમાડાની તીવ્રતા એટલી વધુ હતી કે માસૂમ બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી.