રાની મુખર્જીને ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ’થી કરાઈ સન્માનિત

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મળ્યું સન્માન; રાનીએ કહ્યું- ‘સિનેમા મારા માટે માત્ર વ્યવસાય નહીં, ઊંડી લાગણી છે અને મહારાષ્ટ્ર એ લાગણીનું ઘર છે’

રાની મુખર્જીને ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ’થી કરાઈ સન્માનિત

મુંબઈ, તા.૧૨
મુંબઈમાં યોજાયેલા ૬૨મા મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં અભિનેત્રી રાની મુખર્જીને ભારતીય સિનેમામાં આપેલા યોગદાન બદલ ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે રાની મુખર્જીને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. સમારોહમાં સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર સહિત ફિલ્મ જગત સાથે સંકળાયેલી અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
ભારતીય સિનેમામાં રાની મુખર્જીની લાંબી કારકિર્દી અને મુંબઈ તથા મહારાષ્ટ્ર સાથેના તેમના ગાઢ સંબંધને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી રાનીએ પોતાની કારકિર્દીમાં વિવિધ પ્રકારના પાત્રો ભજવી દર્શકોમાં અલગ ઓળખ ઊભી કરી છે.
‘કુછ કુછ હોતા હૈ’, ‘હમ તુમ’, ‘બન્ટી ઔર બબલી’, ‘બ્લૅક’, ‘તલાશ’, ‘હિચકી’ અને ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ જેવી ફિલ્મો રાની મુખર્જીની કારકિર્દીના મહત્વપૂર્ણ પડાવ રહી છે. અલગ-અલગ પ્રકારનાં પાત્રો દ્વારા તેમણે પોતાની અભિનય ક્ષમતાની છાપ છોડી છે.
એવોર્ડ સ્વીકારતી વખતે રાની મુખર્જીએ મહારાષ્ટ્ર અને મુંબઈ સાથેના પોતાના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર તેમના માટે માત્ર એક રાજ્ય નથી, પરંતુ તેમની જન્મભૂમિ, કર્મભૂમિ અને જીવનનો અભિન્ન હિસ્સો છે. મુંબઈએ તેમને ઓળખ, દર્શકો અને કારકિર્દી આપી હોવાથી આ સન્માન તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે.
પોતાની ફિલ્મોમાં મહિલાઓના પાત્રોની પસંદગી અંગે વાત કરતાં રાનીએ જણાવ્યું હતું કે તેમણે હંમેશાં એવી યુવતીઓ અને મહિલાઓને પડદા પર રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેઓ પોતાના જીવનના નિર્ણયો જાતે લે છે. તેમની ભૂમિકાઓમાં હિંમતની સાથે માનવીય ખામીઓ અને સંઘર્ષ વચ્ચે આગળ વધતી મહિલાઓને સ્થાન મળ્યું છે.
રાની મુખર્જીએ અંતમાં જણાવ્યું હતું કે તેમના માટે સિનેમા માત્ર વ્યવસાય નથી, પરંતુ એક ઊંડી લાગણી છે અને મહારાષ્ટ્ર એ લાગણીનું ઘર છે. ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ’ને તેમણે પોતાની ફિલ્મી સફર અને મહારાષ્ટ્ર સાથેના સંબંધ માટે વિશેષ સન્માન ગણાવ્યું હતું.