રૂ.૨ કરોડની ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર કરી અણધારી વાપસી, કમાણી રૂ.૨૭ કરોડને પાર

શરૂઆતના બે અઠવાડિયા નબળા રહ્યા બાદ ત્રીજા અઠવાડિયાથી ફિલ્મે પકડ્યો વેગ; નીમ કરોલી બાબાના જીવન અને આધ્યાત્મિક વ્યક્તિત્વથી પ્રેરિત છે ફિલ્મ

રૂ.૨ કરોડની ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર કરી અણધારી વાપસી, કમાણી રૂ.૨૭ કરોડને પાર

મુંબઈ, તા.૩૧
બોક્સ ઓફિસ પર શરૂઆતમાં નબળું પ્રદર્શન કરનારી ફિલ્મ ક્યારે અચાનક દર્શકોની પસંદ બની જાય તે કહેવું મુશ્કેલ છે. ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ખાસ પ્રમોશન કે મોટી ચર્ચા વિના રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’ સાથે પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. શરૂઆતના દિવસોમાં નિરાશાજનક કમાણી કરનારી આ ફિલ્મે બાદમાં જોરદાર વાપસી કરીને ભારતમાં રૂ.૨૭ કરોડથી વધુનું કલેક્શન કર્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
રિલીઝના પ્રથમ દિવસે ‘હનુમાન અંશ’એ માત્ર રૂ.૧૦ લાખની કમાણી કરી હતી. પ્રથમ બે અઠવાડિયા બાદ પણ ફિલ્મનું કુલ કલેક્શન માત્ર રૂ.૧.૪૮ કરોડ આસપાસ હતું. જોકે, ત્રીજા અઠવાડિયાથી ફિલ્મને દર્શકોનો પ્રતિસાદ વધતાં બોક્સ ઓફિસ પર તેનું ચિત્ર બદલાઈ ગયું.
અહેવાલ મુજબ ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે રૂ.૧૦.૪૦ કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ ચોથા અઠવાડિયાના શુક્રવારે રૂ.૯.૨૫ કરોડ અને શનિવારે પણ રૂ.૯.૨૫ કરોડની કમાણી નોંધાઈ હોવાનું જણાવાયું છે. આ સાથે ૨૩ દિવસમાં ફિલ્મનું ભારતમાં કુલ કલેક્શન રૂ.૨૭.૩૮ કરોડ સુધી પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર ‘હનુમાન અંશ’નું નિર્માણ આશરે રૂ.૨ કરોડના બજેટમાં કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં ફિલ્મે પોતાના નિર્માણ બજેટની સરખામણીએ અનેક ગણો બિઝનેસ કર્યો છે. શરૂઆતમાં થિયેટરોમાં ઓછી દર્શક સંખ્યાને કારણે ફિલ્મના પ્રદર્શન અંગે નિરાશા જોવા મળી હતી, પરંતુ બાદમાં મળેલા પ્રતિસાદથી ફિલ્મે બોક્સ ઓફિસ પર વેગ પકડ્યો હોવાનું કહેવાય છે.
‘હનુમાન અંશ’ નીમ કરોલી બાબાના જીવન અને તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વથી પ્રેરિત હોવાનું જણાવાયું છે. સપ્ટેમ્બર ૧૯૭૩માં તેમનું અવસાન થયું હતું અને ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં તેમનો આશ્રમ આવેલો છે. તેમના આધ્યાત્મિક વિચારો સાથે સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવી જાણીતી હસ્તીઓનાં નામ પણ વિવિધ સમયે ચર્ચામાં આવ્યાં છે.
વિશાલ ચતુર્વેદીના દિગ્દર્શનમાં બનેલી ‘હનુમાન અંશ’માં શોભિનવ સત્યાએ મહારાજ-જીની ભૂમિકા ભજવી છે. તેમની સાથે વિહાન શેજ, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ રસ્તોગી, ગુલશન પાંડે, ભગવાનદાસ પટેલ અને રાજીવ મિશ્રા સહિતના કલાકારો જોવા મળે છે.
ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ બાદ શોભિનવ સત્યાએ સોશિયલ મીડિયા મારફતે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે. શરૂઆતના નબળા પ્રદર્શન બાદ થયેલી અણધારી વાપસીને લઈને ચાહકોમાં ફિલ્મની સફળતાને નીમ કરોલી બાબાના ‘ચમત્કાર’ સાથે જોડતી ચર્ચા પણ જોવા મળી રહી છે.