વોટ્સએપે સ્પષ્ટતા જાહેર કરી યુઝરનેમ બનાવવું ફરજીયાત નથી
નવી દિલ્હી, તા. 3
વોટ્સએપ દ્વારા ટૂંક સમયમાં શરૂ થનારા ‘યુઝરનેમ‘ ફીચરને લઈને કેન્દ્ર સરકારે ઓનલાઈન ફ્રોડ અને ફેક આઈડી (ઓળખની ચોરી) વધવાની આશંકા વ્યક્ત કરી મેટા કંપનીને નોટિસ પાઠવી છે.
સરકારે આ ફીચર પર હાલ પૂરતી રોક લગાવવા અને ત્રણ દિવસમાં અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. આ વિવાદ વચ્ચે વોટ્સએપે સ્પષ્ટતા કરી છે કે આ નવું ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક (ઓપ્શનલ) હશે, એટલે કે યુઝર્સ માટે યુઝરનેમ બનાવવું ફરજિયાત રહેશે નહીં. આ સુવિધાનો મુખ્ય હેતુ યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વિના અન્ય લોકો સાથે સુરક્ષિત રીતે કનેક્ટ થઈ શકે તે માટેનો છે.
કંપનીએ સુરક્ષા અંગેનાં સવાલોનાં જવાબ આપતાં જણાવ્યું છે કે, વોટ્સએપ પર ફોન નંબરની જેમ યુઝરનેમ પણ ડાયરેક્ટ સર્ચ કરી શકાશે નહીં. કોઈ અજાણી વ્યક્તિ છેતરપિંડી ન કરી શકે તે માટે ફેમસ સેલિબ્રિટીઝ, સરકારી સંસ્થાઓ અને મેટા વેરિફાઇડ એકાઉન્ટ્સના યુઝરનેમ અગાઉથી જ રિઝર્વ (સુરક્ષિત) રાખવામાં આવ્યાં છે.


