વંથલી ખાતે થયેલ યુવાનની હત્યા કેસનાં ૩ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
વંથલી તા.૪
જૂનાગઢ જીલ્લાનાં વંથલી ખાતે આવેલ ભલાયશા પીરની દરગાહ પરિસરમાં સોમવારની મોડીરાત્રીના ૪ શખ્સોએ પ્રેમ સંબંધના મનદુ:ખે યુવાન પર છરી, પાઈપ સહિતના હથીયારો વડે હુમલો કરી તેનું મોત નિપજાવ્યાના બનાવમાં મૃતકના પિતાની ફરીયાદના આધારે વંથલી પોલીસે તત્કાલી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ૩ આરોપીઓને અગતરાય ગામેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારની રાત્રે જ્યારે તાજીમ તેના મિત્ર સકીલ રજાકભાઈ જેઠવા વગેરે સાથે ભલાયશા પીરની દરગાહ પાસે હતો, ત્યારે રફીકશા કાસમશા સર્વદી, તેનો પુત્ર અરબાજશા, ભત્રીજો અકરમશા હનીફશા અને ઈરફાનશા અમીનશા સર્વદીએ લોખંડના સળિયા, છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી તાજીમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે કરૂણ મોત નીપજ્યું હતું. જયારે વચ્ચે છોડાવવા પડેલા તાજીમના મિત્ર શકીલને પણ હુમલામાં ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના પિતા મુસાભાઈની ફરિયાદ લઈ જુદી જુદી કલમ મુજબ હત્યા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ દરમ્યાન વંથલી પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ કેશોદના અગતરાય ગામે સંબંધીના મરઘા ફાર્મ નજીક છુપાયેલા છે જે બાતમીના આધારે વંથલી પોલીસ અને કેશોદ પોલીસની ટીમોએ અગતરાય ગામે જઈ તપાસ કરતા આરોપીઓ રફીકશા કાસમશા સર્વદી, અરબાજશા રફીકશા સર્વદી, અકરમશા હનીફશા સર્વદી મળી આવતા તેઓની અટકાયત કરી પુછપરછ કરતા આરોપી રફીકશાની દિકરી ઈકરાના સાથે મરણ જનારને પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખી બનાવને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. દરમ્યાન પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય આરોપી આરોપી ઈરફાનશા અમીનશા બાનવાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


