વર્ષ ર૦ર૬-ર૭ માટે જૂનાગઢ મનપાનું રૂા.૧૪૯૧.૭૩ કરોડનું બજેટ : ર૧ કરોડનો વેરા વધારો રદ્દ કરાયો 

કમિશ્નરે સુચવેલ પાણી વેરો, સ્ટ્રીટલાઈટ વેરો, ભૂગર્ભગટર કનેકશન ફીમાં વધારો સંપૂર્ણપણે ફગાવી દેવાયો : જૂના દરો યથાવત રખાયા : મિલ્કતમાં નામ ટ્રાન્સફર એક મહિનામાં કરાવી લેવાની રહેશે ત્યારબાદ રૂા.૧૦૦૦ દંડ થશે : મહિલાના નામે મિલ્કત હશે તો ઘરવેરાના સામાન્ય કરમાં બે ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે : સર્કલ ચોકથી લીમડાચોક સુધીનો વિસ્તાર હેરીટેજ સ્ટ્રીટ તરીકે વિકસાવાશે

વર્ષ ર૦ર૬-ર૭ માટે જૂનાગઢ મનપાનું રૂા.૧૪૯૧.૭૩ કરોડનું બજેટ : ર૧ કરોડનો વેરા વધારો રદ્દ કરાયો 

જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ મહાનગરપાલીકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે આજે જૂનાગઢ મહાનગરપાલીકાના જનરલ બોર્ડમાં વર્ષ ર૦ર૬-ર૭ માટેનું જૂનાગઢ મનપાનું રૂા.૧૪૯૧.૭૩ કરોડનું બજેટ રજુ કરી બહાલી માટે મુક્યું હતું. ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે કહ્યું કે, મિલ્કત વેરામાંથી આજ સુધીમાં રૂા.૪૯.પ૪ કરોડની આવક વસુલાત થયેલ છે. અને માર્ચ એન્ડીંગ સુધીમાં વધુ ૮ કરોડની આવકનો અંદાજ છે. જૂનાગઢ મહાનગરપાલીકા હદ વિસ્તારમાં આવકના સ્ત્રોતોને ધ્યાનમાં રાખી પ્રજાની સુખાકારીના કામો કરવા માટે આર્થીક પ્રશ્નો ન નડે તે બાબતને લક્ષમાં લઈ વધુ આવક મેળવવા માટે જુની વસુલાતો ઝુંબેશના ભાગરૂપે વસુલ કરવામાં આવશે અને કમિશ્નર દ્વારા ફેકટર એફ-૧, એફ-ર, એફ-૩ અને એફ-૪માં પાંચ ટકાનો વધારો સુચવેલ છે તે અસહ્ય વધારો હોય, તેને નામંજુર કરવાનું ઠરાવવામાં આવે છે. તેમજ નાણાકીય વર્ષ ર૦ર૭-ર૮ થી દર વર્ષ નાણાકીય વર્ષ ર૬/ર૭માં મંજુર થયેલ ફેકટરના દરમાં ૧ ટકાનો વધારો કરવાનું મંજુર કરવામાં આવેલ છે. નામ ટ્રાન્સફર ફી બાબતે દસ્તાવેજ થયા બાદ મિલ્કત ખરીદનારે એક માસમાં નામ ટ્રાન્સફર કરાવવાનું રહેશે એક માસ બાદ નામ ટ્રાન્સફર કરાવે તો રૂા.૧૦૦૦ દંડ વસુલ કરવાનું ઠરાવવામાં આવેલ છે. હાલ પાણી દર બાબતે મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દ્વારા અસહ્ય વધારો સુચવવામાં આવેલ હોય તે સંપૂર્ણપણે વધારો રદ કરવામાં આવે છે અને જુના દરો યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં જે મિલ્કતમાં પ્રથમ નામ મહિલાનું હોય તેવા મિલ્કતોને ઘરવેરાના સામાન્યકરમાં વધારાનો બે ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. જૂનાગઢ શહેરમાં નવનિર્મિત શ્રી નરસિંહ મહેતા તળાવ ખાતે ૬ થી ૮ દરમ્યાન યોગ પ્રેમીઓને ખાસરૂપે યોગ કરવા માટે નિ:શુલ્ક વ્યવસ્થાઓ આપવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા મહિલાઓ દ્વારા સંચાલીત નવો હોકર્સ ઝોન ઉભો કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતી ધો.૧૦/૧ર અને ઉચ્ચ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે શહેર મધ્યમાં વાંચનાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઉત્સવ, મહોત્સવની ઉજવણી તથા રામનવમી, જનમાષ્ટમી, પરશુરામ જયંતિ, વેલનાથ જયંતિ જેવા અન્ય ઉત્સવોની ઉજવણી માટે સુશોભન, લાઈટીંગ, રોડ-રસ્તા રીપેરીંગ પાણી વિતરણ જેવી મુખ્ય સુવિધાઓ આપવા માટે રૂા.૧પ લાખની જાેગવાઈ કરવામાં આવે છે. સર્કલચોકથી લીમડાચોક સુધીનો વિસ્તાર હેરીટેજ સ્ટ્રીટ તરીકે વિકસાવવામાં આવશે.


બજેટમાં અનેક લોભામણી જાહેરાત
* જાેષીપરા ક્રોસીંગ નં. ૮૧/બી પર આરઓબી બનાવવાનું રૂા. ૬૯.૮૧ કરોડનું કામ પ્રગતિમાં છે.
* સાબલપુર પાસે એલસી નં. ૭૭/બી પર આરઓબી બનાવવા સરકાર દ્વારા રૂા. ૬૪.૩૭ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે. જેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ છે.
* સરકારની સુચના અન્વયે સને ર૦ર૬-ર૭ના વર્ષમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આંતરમાળખાકીય વિકાસ તથા શહેરી સડક યોજના તથા આઉટગ્રોથ યોજનામાં અંદાજે રૂા. ૧પ૦ કરોડ મળવાની અપેક્ષા હોય જે મંજુર થતા સત્વરે પ્રગતિ હેઠળનાં કામો પૂર્ણ કરવામાં આવશે.
*જૂનાગઢ શહેરમાં રૂા. રપ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવાશે.
* જૂનાગઢ શહેરમાં લોકોને કોર્પોરેશનની સેવાનો લાભ મળી શકે તે માટે બે સીટી સીવીક સેન્ટર બનાવાશે.
* ટાઉનહોલ - મજેવડી દરવાજા પાસે મનપાની જગ્યામાં નવા ટાઉનહોલ બનાવવાનું આયોજન છે.
* પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મેંદરડા જૂનાગઢ હાઈવે પર રૂા. ૪પ કરોડનાં ખર્ચે ૧બીએચકેનાં રર૪ ફલેટ તથા રબીએચકેનાં કુલ ૧૬૮ ફલેટ મળી કુલ ૩૯ર યુનીટ બનાવવામાં આવશે.
* જૂનાગઢ મનપા દ્વારા ડેલી જનરેટ થતા સોલીડ વેસ્ટના યોગ્ય પ્રોસેસીંગ માટે તથા ધન કચરામાંથી વાપરવાયુકત કોલસો બનાવી શકાય તે હેતુસર પીપીપી ધોરણે વેસ્ટ ટુ ચારકોલ પ્રોજેકટ હાથ ધરવાનું આયોજન છે.
* રૂા. ૧પ કરોડનાં ખર્ચે ઈવનગર ખાતે સોલીડ વેસ્ટ ડમ્પીંગ સાઈટ રીડેવલોપમેન્ટી કામગીરી.
* હાજીયાણી બાગ ખાતે રૂા. પ.પ૦ કરોડનાં ખર્ચે વેસ્ટ કલેકશન સેન્ટર ખાતે રીફયુઝ ટ્રાન્સફર સ્ટેશન.
* શહેરનાં જાહેર સ્થળોએ સ્માર્ટ પબ્લીક ટોયલેટ રૂા. પ કરોડનાં ખર્ચે બનાવાશે જેમાં બે ટોયલેટ ફકત મહીલાઓ માટે.
* નિર્મળ ગુજરાત સ્વચ્છ શહેર સંુદર શહેર માટે રૂા. ૩ કરોડની ગ્રાન્ટની ફાળવણી
* ડીજીટલાઈજેસન - સને ર૦રપ-ર૬નાં વર્ષથી જૂનાગઢ મનપા દ્વારા ઈ-બજેટ પ્રણાલી અપનાવવામાં આવી છે. અને તમામ રેકર્ડને ડીજીટલ બનાવવાનાં પ્રયાસો હાથ ધરાયા છે.
* શહેરનાં બ્યુટીફીકેશનની કામગીરી જૂનાગઢ શહેરમાં કુલ ૭ સ્થળોએ બ્યુટીફીકેશનની કામગીરી રૂા. ૧.૪ર કરોડનાં ખર્ચે પૂર્ણ થયેલ છે. અને વિવિધ સર્કલોમાં બ્યુટીફીકેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સર્કલો ઉપર જુદી જુદી થીમ આધારીત આ કામગીરી થશે તેમજ જંકશનોને અનુરૂપ પ્રતિમાઓ પણ મુકવામાં આવશે.
* શહેરનાં સાબલપુર લોલ, કાળવા બ્રીજ, રાયજીબાગ બ્રીજ પર બ્યુટીફેકશનની કામગીરી હાથ ધરાશે.
* ૩ બ્રીજ પર વિવિધ થીમ જેવી કે હેરીટેજ થીમ, સ્પીરીયુઅલ થીમ ,વાઈલ્ડ લાઈફ થીમ આધારીત ડેવલોપ કરવામાં આવશે.
* રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રૂા. ર.પ૦ કરોડની ગ્રાન્ટમાંથી ૧૮ આધુનિક ટોયલેટ બ્લોક તેમજ ૧૧ સર્કલ ડેવલોપમેન્ટ કરવાની મંજુરી મળેલ છે.
* જાહેર પરીવહનની સેવા વધુ સુદ્રઢ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.
* પર્યાવરણમાં 
પ્રદુષણમાં ઘટાડો કરવાના હેતુથી ઈ-બસને કાર્યરત કરવાની પહેલાનાં કારણે સીઓટુનાં ઉત્સર્જનને અટકાવી શકાશે.
* આ ઉપરાંત પીએમ ઈ-બસ માટે ખાસ પ્રોજેકટ આ ઉપરાંત બસ ટર્મીનલનું આયોજન તેમજ જનસુખાકારીનાં અનેક પગલા લેવામાં આવશે.
* સ્ટ્રીટ લાઈટ - જૂનાગઢ શહેરનાં ટીંબાવાડી ખાતે સોલાર રૂફટોપની કામગીરી રૂા. ૧.૧ર કરોડનાં ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પણ વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ ડેકોરેશન કરવાનું પણ આયોજન છે.
આજે સ્ટેન્ડીંગ કામીટી દ્વારા સુધારા વધારા સાથેનું જે બજેટ રજુ કરવામાં આવેલ છે તેમાં પર્યાવરણ ક્ષેત્ર, રેન્જ વોટર હાર્વેસ્ટીંગ, રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર પ્રોજેકટ, ઈલેકટ્રીક હેરીટેજ સીટી, ટ્રાફીક મેનેજમેન્ટ, ટ્રાફીક એનફોર્સમેન્ટ સીસ્ટમ, ઓટોમેટીક વ્હીકલ ટ્રેકીંગ સીસ્ટમ, પબ્લીક એડ્ર્ેસ સીસ્ટમ, ગ્રીન જૂનાગઢ કલીન જૂનાગઢ, કેટલ પાઉન્ડ શાખા, ડોગ સ્ટરીલાઈઝેશન કેન્દ્ર, આરોગ્ય શિક્ષણ, આંગણવાડી બાંધકામ, આરોગ્ય સેવા, નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ, ૬૦ પ્લસ શ્રવણકુમાર, ક્ષય રોગના દર્દીને સહાય, શાળાઓમાં કિશોરીઓ માટે સેનેટરી વેન્ડીંગ મશીન, પીએમ સ્વનિધિ યોજના, ઘર વિહોણા માટે આશ્રય સ્થાન, હોકર્સ જાેન, ફુડ પાર્ક, ઓર્ગોનીક પ્રોડકટ સહીતનાં અનેક પ્રોજેકટને આવરી લેવામાં આવ્યા છે.

નવા કામોની જાહેરાત આવકાર્ય છે પરંતુ અનિવાર્ય એવા રોડ-રસ્તાના જુના કામો કયારે પૂર્ણ થશે ?
જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરપર્સને બજેટમાં ઘણી નવી જાહેરાતો અને નવા કામો દર્શાવ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે, દરેક વખતે બજેટમાં વિવિધ જાેગવાઈઓ કરાય જ છે. પરંતુ વર્ષના અંતે કોઈ કામગીરી પૂર્ણ થતી 
નથી. 
કાગળ પર ખાલી મોટી-મોટી જાહેરાતો કરીને મનપાના સત્તાધિશો સંતોષ માની લે છે. પરંતુ વાસ્તવીક કામગીરી થતી નથી. નવા કામોની જાહેરાત આવકાર્ય છે પરંતુ શહેરની આવશ્યક સેવાઓ, ખાસ કરીને, ગટર, રોડ-રસ્તાના જુના કામો કયારે પૂર્ણ થશે ? તેવો સવાલ સંભવીત છે. 
જૂનાગઢની જનતા ખરાબ માર્ગોથી ત્રાહીમામ પોકારી ગઈ છે ત્યારે શહેરના રસ્તાઓના કામો તત્કાલ પૂર્ણ કરવામાં આવે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે.